Rajkot: બેડી માર્કેટ યાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનોની 9 કિમી લાંબી લાઈન લાગી, મગફળીની આવક બંધ કરવી પડી

લગ્નગાળાની સિઝન હોવાથી મોટાભાગના ખેડૂતો જણસી વેચી રહ્યા છે, પરંતુ યાર્ડમાં ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં ઓછા ભાવ પણ રહ્યા હોવા છતાં ખેડૂતો વેચવા મજબૂર બન્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 16 Dec 2024 05:43 PM (IST)Updated: Mon, 16 Dec 2024 05:43 PM (IST)
rajkot-news-9-km-long-que-of-vehicles-outside-bedi-market-yard

Rajkot: રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે મગફળીની 1.05 લાખ ગુણી અને કપાસની 85,000 ભારી સહિતની વિવિધ જણસીની મબલખ આવક થઈ હતી. યાર્ડની બહાર 9 કિલોમીટર સુધી લાંબી વાહનોની લાઈન લાગી હતી. જેમાં ક્રમવાર વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

યાર્ડના સુત્રોના જણાવ્યા મુજબ, આજે રાજકોટ યાર્ડમાં 900થી વધારે વાહનોના થપ્પા લાગતા યાર્ડ બહાર 9 કિલોમીટરની લાંબી લાઈન લાગી હતી. યાર્ડના ચેરમેન જયેશ બોઘરા સહિતના હોદેદારો દ્વારા મગફળી અને કપાસ, સોયાબીનના ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. એક લાખથી વધુ ગુણી મગફળી અને 85,000થી વધુ કપાસની ભારીની આવકથી યાર્ડના નવા શેડમાં જગ્યા ખુટી રહેતા યાર્ડના પટાંગણમાં અને શેડ વચ્ચેના રસ્તા પર ઉતરાઈ કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અળદની ખરીદી શરૂ કરતા યાર્ડમાં સતત આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે. સરકાર દ્વારા રૂા. 1350ના ભાવે ટેકાથી ખરીદી કરવામાં આવી રહી છે. લગ્નગાળાની સિઝન હોવાથી મોટાભાગના ખેડૂતો જણસી વેચી રહ્યા છે, પરંતુ યાર્ડમાં ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં ઓછા ભાવ પણ રહ્યા હોવા છતાં ખેડૂતો વેચવા મજબૂર બન્યા છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં દિવાળી બાદ આશરે 10 લાખ જેટલી મગફળીની ગુણીની આવક થઈ છે. આ વર્ષે વાવેતર પણ વધારે હોવાથી આગામી દિવસોમાં પણ આવક વધશે. જો કે ભાવને લઈને ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે અને ખુલ્લા બજારમાં તેમજ ટેકાના જાહેર કરેલા ભાવથી ખેડૂતોમાં કચવાટ ફેલાયો છે. આજે એક લાખ ગુણીની આવક થતાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે.