Rajkot: રાજકોટ શહેરમા રહેતા અને ઓફસેટનો વ્યવસાય કરતા વેપારી અને તેમના સાથી મિત્રોના 6 પરિવારને નૈનીતાલ અને હરીદ્વાર ટૂરના બહાને ગઠીયાએ 4.30 લાખની રોકડ મેળવી લઇ ટિકિટ નહીં આપી છેતરપિંડી આચર્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમા નોંધાઇ છે. આ સમગ્ર ઘટના મામલે પોલીસે 7 મહિને ગુનો નોંધ્યો હતો. હવે આરોપીની શોધખોળ પણ કરવામાં આવી રહી છે.
આ અંગે નટરાજનગર પાસે આવેલા કૈલાશપાર્કમા રહેતા અને ઓફસેટનો વ્યવસાય કરતા હિતેન્દ્રભાઇ દેવજીભાઇ પડસુંબીયા (46) નામના વેપારીએ રાજકોટના સંદીપ ધીરૂભાઇ મેઘાણી ઉર્ફે સંજય પટેલ વિરૂદ્ધ છેતરપિંડી કર્યાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોતાની ફરિયાદમાં વેપારી હિતેન્દ્ર પડસુંબીયાએ જણાવ્યુ કે, તેઓ મુળ મોરબીના નાની વાવડીના વતની છે. તેમજ તેઓ મોરબી ખાતે ઓફસેટ પ્રિન્ટીંગનો વ્યવસાય કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે.
ગત 15 માર્ચના રોજ તેમના પરિવારજનો દ્વારા નૈનીતાલ અને હરિદ્વાર ફરવા જવાનો પ્લાન નકકી કર્યો હતો. જેથી તેઓએ સંદીપભાઇ મેઘાણીનો સંપર્ક કર્યો હતો. હિતેન્દ્રભાઇએ અગાઉ સાલ 2017માં સંદીપ મેઘાણીની ગણેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમા નેપાળનો પ્રવાસ કર્યો હોવાથી તેઓ આ સંદીપને ઓળખે છે.
જે બાદ હિતેન્દ્રભાઇ તેમના સબંધી ધર્મેશભાઇ ભીમાણી એમ બંને સંદીપને મળવા ગયા હતા અને તેમને નૈનીતાલ અને હરીદ્વાર ફરવા જવાનો પ્લાન સમજાવ્યો હતો. જેથી આ સંદીપે વ્યકિત દીઠ રૂ. 30 હજાર ભરવાનું જણાવ્યુ હતુ. આખરે 15 મેના રોજ ફરવા જવાનુ નકકી કરવામાં આવ્યુ હતુ અને સંદીપે અમદાવાદથી ફલાઇટની ટિકિટ શિડ્યૂલ આપ્યુ હતુ. જેમા રિયા હોલીડે નામની સ્લીપ તેઓને આપવામાં આવી હતી. તેમજ મોબાઇલ ફોનમાં બસના ફોટા અને વિગતો આપવામાં આવી હતી.
આ સાથે જ સંદીપે એક કોરો ચેક આપી તેમા ફલાઇટની ટિકિટ બુક કરાવવાનું જણાવ્યુ હતુ. જેથી ફરીયાદી હિતેન્દ્રભાઇ ઉપરાંત કિરીટભાઈ પટેલે 50-50 હજાર, ભરતભાઈ પટેલ, ધર્મેશકુમાર ભીમાણીએ 45-45 હજાર તેમજ પરેશભાઈ દૂધાગરા અને અનિલ અઘારાએ રૂ. 60-60 હજાર રૂપિયા મળીને કુલ 6 પરિવારોએ 3.10 લાખ રૂપિયા આપ્યા હતા. જે બાદ સંદિપે ફોન કરી કહ્યું હતું કે, જીમ કોર્બેટ નેશનલ પાર્ક તથા સાઈટ સીન માટે તમારે બુક કરવું હોય તો વધુ દોઢ લાખ આપવા પડશે. આથી તમામ 6 પરિવારે વધુ 20-20 હજાર લેખે રૂ. 1.20 લાખ રૂપિયા સંદિપને ચૂકવ્યા હતા. આમ કુલ મળીને તમામ લોકોએ 4.30 લાખ સંદિપને આપ્યા હતા.
થોડા સમય બાદ હિતેન્દ્રભાઈએ ટિકિટ માટે વાત કરતાં સંદિપે તેઓને 12મી મેના રોજ ટિકિટ આપવાનું કહ્યું હતુ. જે બાદ અલગ-અલગ બહાના બતાવતો હતો. આખરે પોતાનો ફોન સ્વીચ ઑફ કરી નાંખ્યો હતો. આથી હિતેન્દ્રભાઈએ સંદિપની શોધખોળ હાથ ધરતા તેની કોઈ ભાળ ના મળતા તેમણે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
