Rajkot: બામણબોર નજીક SMCનો સપાટો, કટિંગ વખતે ટીમ ત્રાટકી રૂ. 86.63 લાખના દારુ-બીયરનો જથ્થો જપ્ત

રાધેકૃષ્ણ હોટલ નજીક ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની 21,792 શરાબ-બીયરની બોટલો મળી આવી હતી. જ્યારે રાજસ્થાની ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે, જ્યારે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 7 લોકોને વોન્ટેડ જાહેર કર્યાં છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 21 Sep 2026 04:13 PM (IST)Updated: Mon, 21 Sep 2026 04:13 PM (IST)
rajkot-news-major-bootlegging-bust-near-bamanbor-smc-confiscates-604-crates-of-alcohol

Rajkot: ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની રાજ્યના DGP જી.એસ. મલિકની સૂચનાના પગલે સ્ટેટ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને મોટી સફળતા સાંપડી છે. SMCની ટીમે રાજકોટ-ચોટીલા હાઇવે ઉપરથી રૂ. 86.63 લાખથી વધુની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો પકડી પાડી કુલ રૂ. 1.10 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સ્ટેટ મોનીટરીંગ સેલના PI પી. બી. જેબલીયા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલ બામણબોર ગામ નજીક 'રાધે-કૃષ્ણ હોટલ' પાસે જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો.

આ કામગીરી દરમિયાન ટ્રકમાંથી ભારતીય બનાવટના દારૂ/બીયરની આશરે 604 પેટીઓ (કુલ 21,792 બોટલ) મળી આવી હતી, જેની કિંમત રૂ. 86,63,712 થાય છે. પોલીસે દારૂના જથ્થા સાથે એક વાહન તેમજ અન્ય સાધન-સામગ્રી મળીને કુલ રૂ. 1,10,91,012નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


આ દરોડા દરમિયાન દિલીપસિંઘ સુખદેવસિંઘ રાવત (રહે. સોનીયાણ ગામ, બ્યાવર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

વોન્ટેડ આરોપીઓમાં જીતેન્દ્રસિંઘ શ્રવણસિંઘ (રહે.ઠીકરવાસ, કાલણ, જિ.રાજસમંદ, રાજસ્થાન), સુરેશ ટ્રકના માલિક, ચંદીગઢ ખાતે જીતેન્દ્રસિંઘનો અજાણ્યો માણસ, થાર ગાડી લઈને દારૂ ભરવા લઈ જનાર બે અજાણ્યા માણસ, ટ્રાન્સપોર્ટની બીલ્ટી લઈને આવનાર સ્પેલન્ડર બાઈક ઉપર આવેલ અજાણ્યો માણસ અને રાજકોટ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર સામે અંગે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરીને નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સૂત્રધારોને પકડી પાડવા પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.