Rajkot: બેકાબુ DJ આઈસર ટેમ્પાનો આતંક, પારેવડી ચોક નજીક બાઈકને ઉલાળતા વૃદ્ધ ચાલકનું મોત, 2 ઈજાગ્રસ્ત

ભગવતીપુરા પુલ પરથી નીચે ઉતરી રહેલા DJ આઈસર ટેમ્પાના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલા ટેમ્પાએ આગળ આવતા એક પછી એક વાહનોને અડફેટે લેવાનું શરૂ કરતા રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 20 Sep 2026 10:25 PM (IST)Updated: Sun, 20 Sep 2026 10:25 PM (IST)
rajkot-road-accident-elderly-person-killed-2-injured-as-speeding-dj-tempo-hits-bike-at-parevadi-chowk

Rajkot Road Accident: રાજકોટ શહેરના પારેવડી ચોક ખાતે પૂરપાટ ઝડપે આવી રહેલા ડીજેના સામાન ભરેલા આઇસર ટેમ્પાએ એક પછી એક પાંચ વાહનોને પોતાની અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં ટેમ્પા નીચે કચડાઈ જવાથી 60 વર્ષીય બાઈકચાલકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, DJનો સામાન ભરેલો આઇસર ટેમ્પો ભગવતીપરા પુલ પરથી પૂરપાટ ઝડપે નીચે ઉતરી રહ્યો હતો. આ દરમિયાન ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતાં ટેમ્પાએ આગળ જતી એક રિક્ષા અને ત્યારબાદ બાઈકચાલકને ટક્કર મારી હતી.

આટલું જ નહીં, આટલાથી પણ ટેમ્પા ન અટકતા તેણે આગળ ચાલી રહેલી અન્ય બે રિક્ષા અને એક કારને પણ જોરદાર અડફેટે લીધી હતી. આ ભીષણ અકસ્માતમાં બાઈકચાલક 60 વર્ષીય અરુણભાઈ પરથી આઇસરનું ટાયર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

આ ભયાનક અકસ્માતનો ભોગ બનનાર પરેશ વાણિયાએ ઘટના વિશે જણાવ્યું કે, હું ભગવતીપરા તરફથી ઢાળ ઉતરી રહ્યો હતો, ત્યારે અચાનક જ પાછળથી આવતી આઇસરે સીધેસીધી મારી ગાડીને ટક્કર મારી હતી. જેના કારણે મારી ગાડી સાઇડમાં ફેંકાઈ ગઈ હતી. આઇસર ચાલક વાહન પરથી સંપૂર્ણપણે નિયંત્રણ ગુમાવી બેઠો હતો, જોઈને એવું લાગતું હતું કે કદાચ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હોય.