Junagadh: ગિરનાર જંગલમાં ભારે વરસાદ વચ્ચે આત્મેશ્વર મહાદેવ મંદિર નજીક ફસાયેલા 40થી વધુ શ્રદ્ધાળુઓ સફળ રેસ્ક્યુ

ગિરનાર જંગલમાં ભારે વરસાદને કારણે આત્મેશ્વર મહાદેવ મંદિર નજીક પાણીનો પ્રવાહ વધતા 40થી વધુ લોકો ફસાયા હતા. વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમોએ સમયસર કાર્યવાહી કરીને તમામ ફસાયેલા લોકોને હેમખેમ બચાવી લીધા, જેનાથી મોટી દુર્ઘટના ટળી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 20 Sep 2026 09:33 PM (IST)Updated: Sun, 20 Sep 2026 09:33 PM (IST)
junagadh-news-over-40-devotees-trapped-near-atmeshwar-temple-in-girnar-forest-rescued

Junagadh News: ગિરનાર જંગલ વિસ્તારમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે જૂનાગઢમાં એક મોટી દુર્ઘટના ટળી છે. આત્મેશ્વર મહાદેવ મંદિરના માર્ગ પર અચાનક પાણીનો પ્રવાહ ખૂબ જ વધી જવાથી બાળકો સહિત 40થી વધુ લોકો ફસાયા હતા.

ઇન્દ્રેશ્વર નજીક જંગલમાં આવેલા આ પવિત્ર મંદિરે દર્શનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓ અચાનક આવેલા પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે ફસાઈ ગયા હતા. પાણીના ભારે પ્રવાહને કારણે તમામ લોકોનો બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બંને ટીમોએ સંયુક્ત રીતે ભારે જહેમત અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

તંત્રની સમયસૂચકતાને કારણે ફસાયેલા તમામ બાળકો અને નાગરિકોને કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાન વિના હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી એક મોટો અનર્થ ટળ્યો હતો.