Vadodara: મુખ્યમંત્રીના હસ્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલનું લોકાર્પણ, સંકલ્પ ભૂમિનો ઐતિહાસિક વારસો આધુનિક સ્વરૂપે ઉજાગર થયો

વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલનું લોકાર્પણ કર્યું, જે સંકલ્પ ભૂમિના ઐતિહાસિક વારસાને આધુનિક સ્વરૂપે ઉજાગર કરે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ એક નાની બાળકી સાથે બાબાસાહેબ વિશે વાતચીત કરી અને 'જય ભીમ'ના નારા લગાવ્યા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 20 Sep 2026 09:09 PM (IST)Updated: Sun, 20 Sep 2026 09:09 PM (IST)
vadodara-ambedkar-memorial-inaugurated-by-cm-bhupendra-patel-sankalp-bhoomi-transformed-into-modern-monument

Vadodara: વડોદરા અને સંવિધાન ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનો સંબંધ માત્ર ઈતિહાસ પૂરતો સીમિત નથી, પરંતુ તે સંઘર્ષ, શિક્ષણ અને દ્રઢ સંકલ્પની એક અમર ગાથા છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે બાબાસાહેબની પ્રતિભા ઓળખીને તેમને ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ મોકલ્યા હતા. વડોદરાના સયાજીબાગમાં આવેલા વટવૃક્ષ નીચે બાબાસાહેબે સામાજિક અન્યાય સામે લડત આપવાનો ઐતિહાસિક સંકલ્પ કર્યો હતો, જે સ્થળ આજે 'સંકલ્પ ભૂમિ' તરીકે સમગ્ર દેશમાં પૂજનીય ઓળખ ધરાવે છે.

આ ઐતિહાસિક વારસાને વધુ દિવ્ય બનાવતા, વડોદરાના ફતેહગંજ કમાટીબાગ નજીક નવનિર્મિત આધુનિક 'ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ'નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સયાજીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે શીશ નમાવીને મેમોરિયલનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે એક ભાવુક અને પ્રેરણાદાયી ક્ષણ જોવા મળી હતી, જ્યારે ધોરણ-1માં અભ્યાસ કરતી નાની બાળકી અદિતિએ મુખ્યમંત્રી સાથે ડૉ. બાબાસાહેબના જીવન, કાર્યો અને ભારતીય સંવિધાન અંગે વિસ્તૃત વાતો કરી હતી.

અદિતિના જ્ઞાન અને આત્મવિશ્વાસથી અત્યંત પ્રભાવિત થઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્સાહભેર ‘જય ભીમ’ના નારા લગાવ્યા હતા. સામાન્ય ચાની રેકડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા અદિતિના પિતા નિર્મલભાઈ સાથે પણ સીએમે વિશેષ મુલાકાત કરી પરિવારને પ્રોત્સાહિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006માં સંકલ્પ ભૂમિ સ્મારકના નામાંકરણનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આજે આ નવનિર્મિત મેમોરિયલ અને મ્યુઝિયમ વિધિવત રીતે જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ આધુનિક સ્મારકમાં બાબાસાહેબના જીવન પ્રસંગોને દર્શાવતા કલાત્મક મ્યુરલ્સ (ભીંતચિત્રો) તૈયાર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત મુલાકાતીઓ માટે બાબાસાહેબના ઐતિહાસિક ભાષણોનો 3D વર્ચ્યુઅલ અનુભવ, આકર્ષક લાઇટ એન્ડ સાઉન્ડ શો અને તેમના જીવન પર આધારિત ખાસ પ્રદર્શન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ લોકાર્પણ પ્રસંગે રાજકીય નેતાઓ, સમાજશ્રેષ્ઠીઓ અને બાબાસાહેબના બહોળા પ્રશંસકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સ્મારક આવનારી પેઢીઓ માટે સામાજિક સમરસતા અને પ્રેરણાનું સદાય જીવંત કેન્દ્ર બની રહેશે.