Vadodara News: પંજાબ રાજ્યના પઠાણકોટ જિલ્લામાં ગન પોઇન્ટ પર ફોર વ્હીલર ગાડીની લૂંટ ચલાવી ફરાર થયેલા એક આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે કારેલીબાગ વિસ્તારમાંથી દબોચી લીધો છે. ધરપકડથી બચવા માટે આરોપી નાસી છૂટીને વડોદરામાં આશરો લઈ રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ડ્રાઇવરની છાતી પર પિસ્તોલ તાકી કાર લઈ લીધી
પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબના પઠાણકોટ-જમ્મુ નેશનલ હાઇવે પર સુજાનપુર નજીક આવેલા ડાઉનટાઉન મોલ બહાર ગત તા. 15 નવેમ્બર 2026ના રોજ લૂંટની આ ઘટના બની હતી. એક પરિવાર XUV-500 કારમાં મોલ ખાતે આવ્યો હતો અને કાર બહાર ઊભી રાખી ડ્રાઇવર પ્રવિણસિંહ કારમાં બેઠા હતા. આ દરમિયાન રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સુમારે મોંઢા પર કપડું બાંધીને આવેલા શખ્સોએ ડ્રાઇવરની છાતી પર પિસ્તોલ તાકી XUV-500 કાર ઝૂંટવી લીધી હતી અને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પંજાબના સુજાનપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 304(2) તથા આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ ગુનો નોંધાયો હતો.
આરોપી વડોદરા આવ્યો હોવાની પોલીસને મળી બાતમી
આ લૂંટના ગુનામાં સંડોવાયેલો આરોપી સુરજીતસિંગ સુખદેવસિંગ સરદાર (સિંના) (ઉં.વ. 28, રહે. 1703, ગલી નં. 04, સુંદરનગર, મુસ્તફાબાદ, બટાલ રોડ, અમૃતસર, પંજાબ) ધરપકડ ટાળવા માટે વડોદરા આવ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વડોદરાના કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ પાસે આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં તપાસ કરવામાં આવી હતી. ત્યાં કાળા રંગની ટોપીવાળી ટી-શર્ટ અને કાળું જીન્સ પેન્ટ પહેરેલો એક શખ્સ નજરે પડ્યો હતો.
પંજાબ પોલીસને જાણ કરવામાં આવી હતી
શંકાસ્પદ શખ્સે ભાગવાનો પ્રયાસ કરતાં જ સ્થળ પર ઘેરી લઈ ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તે પઠાણકોટની લૂંટમાં સામેલ સુરજીતસિંગ સરદાર હોવાનું સ્પષ્ટ થયું હતું. તેની અંગઝડતી દરમિયાન એક પોકો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. આરોપી પકડાયા બાદ પંજાબ પોલીસને જાણ કરવામાં આવી હતી. પંજાબ પોલીસે વડોદરા આવી આરોપીનો કબજો સંભાળી કોર્ટમાંથી રિમાન્ડ મેળવી વધુ તપાસ માટે પંજાબ લઈ જવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસ એ પણ તપાસ કરવા માગે છે કે, આ આરોપી પણ અન્ય ગુન્હામાં સંડોવાયેલ છે કે નહીં.
