જૂનાગઢ: આર્થિક સંકડામણથી કંટાળીને નિવૃત્ત એસ.ટી કર્મચારી અને પત્નીએ કર્યો આપઘાત, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

જૂનાગઢમાં આર્થિક સંકડામણથી કંટાળેલા નિવૃત્ત ST કર્મચારી અને તેમની પત્નીએ ઝેરી ટીકડા ખાધા હતા. સારવાર દરમિયાન બંનેના મોત થયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 19 Sep 2026 02:32 PM (IST)Updated: Sat, 19 Sep 2026 02:32 PM (IST)
junagadh-retired-st-employee-wife-suicide-financial-crisis

Junagadh Suicide: જૂનાગઢ જિલ્લામાં રહેતા એક દંપતીએ આર્થિક સંકડામણ અને પૈસાની તંગીથી કંટાળીને આપઘાત કરી લીધાની કરુણ ઘટના પ્રકાશમાં આવી છે, શહેરના ગેંડાગળ રોડ નજીક એસ.ટી વિભાગના એક નિવૃત્ત કર્મચારીએ પોતાની પત્ની સાથે ઝેરી ટીકડા ખાઈ લેતાં સારવાર દરમિયાન બંનેના મોત થઈ નિપજ્યા છે. આવકનું કોઈ સાધન ન હોવાથી અત્યંત ગરીબીના લીધે દંપતીએ આપઘાત કર્યાનું સામે આવ્યુ છે.

નિવૃત્ત S.T કર્મી અને પત્નીએ જીવન ટૂંકાવ્યું

મળતી માહિતી મુજબ, ગેંડાગળ રોડ પાસે પાસે રહેતા 58 વર્ષીય વનરાજસિંહ ઝાલા ગુજરાત એસ.ટી વિભાગના કર્મચારી રહી ચૂક્યા હતા. તેઓ તેમની 55 વર્ષીય પત્ની રેખાબા સાથે નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ દંપતી પાસે આવકનું મજબૂત સાધન નહોતું. જેના લીધે તેઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. પૈસાની ભારે તંગીના લીધે સતત માનસિક તણાવમાં રહેતા દંપતીએ ગત 14મી સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા.

સારવાર દરમિયાન બંનેના મોત

ઘટના અંગે જાણ થતાં પરિવારજનો અને પાડોશીઓએ તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વનરાજસિંહ બેભાન સ્થિતિમાં હોવાથી તેમનું સ્વાસ્થ્ય ગંભીર બન્યું હતું. જોકે, સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર સ્થિતિમાં રહેલા નિવૃત્ત એસટી કર્મચારી વનરાજસિંહનું પણ સારવાર દરમિયાન મોત નિપજી જતાં એક પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો.

પરિવારમાં શોકની લાગણી ફેલાઈ

બંનેના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ જૂનાગઢ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને દંપતીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.