Junagadh News: જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર ચોમાસાની ઋતુ વચ્ચે પ્રકૃત્તિનો સ્વરુપ નિખરી ઉઠ્યું છે. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. તથી ગિરનાર પર ઝરમર વરસાદ, ઘનઘોર વાદળો અને ધુમ્મસની ચાદરમાં લપેટાયેલો જોવા મળી રહ્યો છે. ગિરનારના અનુપમ સૌંદર્ય અને પ્રકૃત્તિનો આહલાદક અનુભવ માણવા માટે ગુજરાત અને દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
પ્રાકૃત્તિક સૌંદર્ય વચ્ચે રોપવેની સફર
આ પણ વાંચો
ગિરનારના પ્રાકૃત્તિક સૌંદર્ય વચ્ચે ગિરનારની સી઼ડીઓ ચડીને શિખર તરફ જતાં ભક્તો વાદળોનો પ્રત્યક્ષ અનુભવ અને ઠંડી હવાનો આનંદ માણી રહ્યા છે. આ સાથે જ પ્રવાસીઓમાં રોપવે ટ્રોલી સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બની છે. વાદળો વચ્ચે જ્યારે રોપ વે પર સવાર થઈને શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ શિખર પર પહોંચે છે. ત્યારે ગિરનારના સુંદર દ્રશ્યો મન અને આત્માને તૃપ્ત કરી દે છે. રોપ વે પર સવાર થઈને ઘણા પ્રવાસીઓ પોતાના કેમેરામાં ગિરનારના અદ્ભુત સૌંદર્યને કેદ કરી લે છે.
ગિરનારને 'સ્વર્ગ' સમાન ગણાવ્યો
અમદાવાદ સહિત ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ગિરનારના સૌંદર્યને માણવા માટે આવી રહ્યા છે. જૂનાગઢ ફરવા આવેલા કેટલાક પ્રવાસીઓએ સીડીઓ પર વહેતા પાણી અને વાદળો વચ્ચે ગિરનારને સર કરવાના અનુભવને રોમાંચક અને અદ્ભુત ગણાવ્યો હતો. તેમજ ગિરનાર પર ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠતાં અદ્ભુત સૌંદર્યને સ્વર્ગ સમાન ગણાવ્યો છે.
જૂનાગઢના ટુરિઝમમાં થયો વધારો
ચોમાસાની સિઝનમાં જૂનાગઢના ટુરિઝમમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશ વિદેશ અને ગુજરાતથી આવતા પ્રવાસીઓ ખાસ કરીને ગિરનારની સુંદરતાને માણવા માટે આવી રહ્યા છે. મનને પ્રફુલ્લિત કરી દે તેવા સૌંદર્ય વચ્ચે લોકો પોતાના પરિવાર સાથે વિકેન્ડ કે જાહેર રજાઓમાં ફરવા આવે છે. ગરવા ગિરનાર પર પ્રાકૃત્તિક સૌંદર્યને માણીને લોકો ખૂબ જ આનંદ કિલ્લોલ કરી રહ્યા છે.
