Rajkot Road Block Protest: રાજકોટના સાંઢિયા પુલ પાસે રસ્તો બંધ કરવા સામે વિરોધ નોંધાવવો આપ નેતા પદ્મિનીબા વાળાને ભારે પડ્યો છે. ટ્રાફિક શાખાના મહિલા પીઆઈ દ્વારા પદ્મિનીબા વાળા અને અજાણ્યા ચાર ઇસમો સામે પોલીસ ફરજમાં રુકાવટ અને ટ્રાફિક જામ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મહિલા પીઆઈ સરોજબેન મુળજીભાઈ સોલંકીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, સાંઢિયા પુલ ઉતરતા રેલનગર અંડરબ્રીજ તરફના રસ્તે પોલીસકર્મીઓ અને ટીઆરબી જવાનો ફરજ પર હાજર હતા. ગત રાત્રે આશરે 9.45 વાગ્યાના અરસામાં ચાર અજાણ્યા શખ્સોએ પોતાના ટુ-વ્હીલર રોડ વચ્ચે રાખી વાહનો રોકીને ટ્રાફિક જામ કર્યો હતો અને બેરીકેટ ખોલાવવાની જીદ કરી હતી.
આ દરમિયાન આપ નેતા પદ્મિનીબા વાળા પણ ત્યાં પહોંચ્યા હતા અને વાહનોને અવર-જવર કરતા અટકાવી ટ્રાફિક જામ કર્યો હતો. પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કરતા તેમણે ઉગ્ર બોલાચાલી કરી હતી અને "અમે રેલનગરના માણસો હેરાન થઈએ છીએ, બેરીકેટ ખોલી નાખો" તેમ કહી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. અગાઉ ગત તા. 16 સપ્ટેમ્બરના રોજ પણ આ જ જગ્યાએ બેરીકેટ ખોલવાને કારણે ટ્રાફિક જામ થયો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. હાલ ગાંધીગ્રામ પોલીસે પદ્મિનીબા વાળા અને ચારેય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર માનેલી ફરિયાદ સામે પ્રતિક્રિયા આપતા આપ નેતા પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારના જાહેરનામા વગર રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા સામાન્ય જનતા પરેશાન થાય છે, જેથી મેં વિરોધ નોંધાવ્યો હતો. હું વિપક્ષમાં હોવાથી મારી સામે આ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ હું ડરવાની નથી. જો આવી 100 ફરિયાદો પણ કરવામાં આવશે તો પણ હું સત્યની સામે લડતી જ રહીશ.
પોલીસ દ્વારા ફરજ રુકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાત કરી રહી છે, તો બીજી તરફ આપ નેતા જનતાની મુશ્કેલીઓ મુદ્દે અડગ રહ્યા છે. આ માىલે આગળ શું રાજકીય વળાંક લે છે તે જોવું રહ્યું.
