Rajkot: રાજકોટની પિતૃકૃપા ટ્રાવેલ્સ અને માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચે ધંધાકીય હરીફાઈમાં છેલ્લા ઘણાં દિવસથી ચાલતી માથાકૂટમાં લોહી રેડતા અટક્યું છે. હજુ પણ આ મામલે લોહીયાળ માથાકૂટ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ધંધામાં હરીફ પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકને મોતને ઘાટ ઉતારવા માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકે 50 લાખની સોપારી આપી ભાડૂતી હત્યારાને મોકલ્યો હતો. જોકે ભાડૂતી હત્યારા જૂનાગઢના શખ્સે જેની હત્યા કરવાની હતી તેની સમક્ષ વટાણા વેરી દેતા ભાંડો ફૂટી ગયો હતો અને આ મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ રોડ પર આવેલ શિવનગરમાં રહેતા અને પિતૃકૃપા નામે ટ્રાવેલ્સની ઑફિસ ધરાવતા વિજયસિંહ જાડેજા (45)એ માલવિયાનગર પોલીસ મથકમાં જૂનાગઢના લાલા મુસ્લિમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, ગત 9 ડિસેમ્બરના રોજ તેઓ પોતાની સ્કોર્પિયોમાં ઘર તરફ જતા હતા, ત્યારે રાજકમલ પેટ્રોલ પંપ નજીક બુલેટમાં એક બુકાનીધારી ઈસમ ધસી આવ્યો હતો. જેણે વિજયસિંહની સ્કોર્પિયો આંતરીને પોતાના મોંઢા પરથી રુમાલ હટાવ્યો હતો.
આ પણ વાંચો
આ લાલા મુસ્લિમ નામના ઈસમને વિજયસિંહ ઓળખી ગયા હતા. જે બાદ લાલો મુસ્લિમ ફરિયાદી વિજયસિંહ સાથે તેમની કારમાં બેસી ગયો હતો. તેણે કહ્યું કે, માતૃકૃપા ટ્રાવેલ્સ વાળા મેહુલસિંહ જાડેજાએ તમારી હત્યા કરવા માટે મને રૂ. 50 લાખની સોપારી આપી છે. આ માટે લાલાએ અગાઉ 27 નવેમ્બરના રોજ વિજયસિંહને વોટ્સએપ કોલ પણ કર્યો હતો, પરંતુ વિજયસિંહે ઑફિસે બોલાવતો લાલો મુસ્લિમ પહોંચ્યો નહતો.
લાલાએ કહ્યું કે, મારે તારી હત્યા કરવી નથી, પરંતુ 3 દિવસ તમારો ફોન સ્વિચ ઑફ રાખીને મારી સાથે રહેવું પડશે. મને 50 લાખ રૂપિયા મળશે, તે બાદ હું તમને જવા દઈશ, તેવો પ્લાન બનાવ્યો હતો. જો કે ભાડૂતી હત્યારાની ચુંગાલમાંથી વિજયસિંહ ભાગી છૂટ્યા હતા. જેમની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
