Study Abroad Free Education:વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે આદિવાસી વિદ્યાર્થીઓને મોટી તક: 'નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ' હેઠળ મળશે આર્થિક સહાય

વિદેશની નામાંકિત યુનિવર્સિટીઓમાંથી માસ્ટર્સ અને PHD કરવાનું સપનું જોતા અનુસૂચિત જનજાતિ (ST) વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ યોજના આશીર્વાદરૂપ બની છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 29 Nov 2026 12:05 PM (IST)Updated: Sun, 29 Nov 2026 12:05 PM (IST)
major-opportunity-for-tribal-students-for-higher-education-abroad-financial-assistance-to-be-provided-under-the-national-overseas-scholarship

Study Abroad Free Education:વિદેશની નામાંકિત યુનિવર્સિટીઓમાંથી માસ્ટર્સ અને PHD કરવાનું સપનું જોતા અનુસૂચિત જનજાતિ (ST) વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ યોજના આશીર્વાદરૂપ બની છે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા વર્ષ 1954-55થી અમલી બનાવાયેલી આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક અવરોધો દૂર કરીને આદિવાસી યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરનું ઉચ્ચ શિક્ષણ અને સંશોધનની ઉત્તમ તકો પૂરી પાડવાનો છે.

દર વર્ષે કુલ 20 નવી શિષ્યવૃત્તિ

વિદેશ મંત્રાલય હેઠળના ભારતીય દૂતાવાસોના માધ્યમથી કાર્યરત આ યોજના અંતર્ગત દર વર્ષે કુલ 20 નવી શિષ્યવૃત્તિઓ આપવામાં આવે છે. વર્ષ 2010-11માં આ સંખ્યા વાર્ષિક 15 હતી, જેનો વ્યાપ હવે વધારી દેવાયો છે. કુલ 20 બેઠકોમાંથી 17 બેઠકો સામાન્ય ST ઉમેદવારો માટે અને 3 બેઠકો વિશેષ રૂપે નબળા આદિવાસી જૂથો (PVTG) માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત, કુલ બેઠકોમાંથી 30 ટકા બેઠકો મહિલા ઉમેદવારો માટે સુરક્ષિત છે. જો યોગ્ય મહિલા ઉમેદવારો ન મળે, તો આ ખાલી બેઠકો પાત્રતા ધરાવતા પુરુષ ઉમેદવારોને ફાળવવામાં આવે છે.

QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ'ની ટોચની 1000 સંસ્થા

શૈક્ષણિક સત્ર 2026-27થી આ યોજનાનો લાભ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ'ની ટોચની 1000 સંસ્થામાં સ્થાન ધરાવતી વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા પર ઉપલબ્ધ રહેશે. ચાર મુખ્ય વિદ્યાશાખાઓમાં બેઠકોની વહેંચણી કરવામાં આવી છે, જેમાં સ્ટેમ (STEM) વિષયો માટે સૌથી વધુ 10 બેઠકો, મેનેજમેન્ટ, ફાઇનાન્સ અને કાયદા (લૉ) માટે 4 બેઠકો, કૃષિ અને મેડિસિન માટે 4 બેઠકો, જ્યારે હ્યુમેનિટીઝ અને ફાઇન આર્ટ્સ માટે 2 બેઠકો નિર્ધારિત કરાઈ છે.

આ યોજના હેઠળ PHDના અભ્યાસ માટે મહત્તમ 4 વર્ષ સુધી, જ્યારે માસ્ટર્સ ડિગ્રી માટે કોર્સના સમયગાળા મુજબ 1 કે 2 વર્ષ સુધી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.