AEIAT Mains New exam date: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (AEIAT) વર્ગ-3 (પ્રાથમિક શાળાઓ) ભરતી-2026 ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બોર્ડ દ્વારા આ મુખ્ય પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 7 જૂનના રોજ યોજાનાર આ મુખ્ય પરીક્ષા હવે 13 જૂન, શનિવારના રોજ લેવામાં આવશે.
નવી તારીખ અને ઉમેદવારો માટે સૂચના
ઉમેદવારો દ્વારા આ બાબતે કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા AEIAT ની પરીક્ષાની તારીખ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડના જણાવ્યા અનુસાર, પ્રિલિમ પરીક્ષામાંથી ક્વોલિફાઇ થયેલા ઉમેદવારો માટે હવે મુખ્ય પરીક્ષા 13 જૂન, શનિવારના રોજ યોજવામાં આવશે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તમામ ઉમેદવારોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓએ પરીક્ષાની આ નવી તારીખ નોંધી લેવી. આ ઉપરાંત, પરીક્ષાના સ્થળ, સમય અને હોલ ટિકિટ સંબંધિત અન્ય તમામ માહિતી અને અપડેટ્સ માટે ઉમેદવારોને રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર સતત નજર રાખવા માટે જણાવવામાં આવ્યું છે.
પરીક્ષાની તારીખ શા માટે બદલાઈ?
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરેલ સત્તાવાર પરિપત્ર મુજબ, 7 જૂન, રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બંને મહત્વની પરીક્ષા એક જ દિવસે હોવાના કારણે ઉમેદવારોને મુશ્કેલી પડી શકે તેમ હતી.
