RTE Admission: 25 મેથી બીજા રાઉન્ડ માટે શાળાની પુનઃ પસંદગી શરૂ, જાણો કેટલી બેઠકો ખાલી?

પ્રથમ રાઉન્ડમાં અંગ્રેજી માધ્યમની સૌથી વધુ 5,953 બેઠક ખાલી પડી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 23 May 2026 08:35 AM (IST)Updated: Sat, 23 May 2026 08:37 AM (IST)
rte-gujarat-admission-round-2-schedule-school-selection-vacant-seats
HIGHLIGHTS
  • ગુજરાતમાં RTE સંભવિત કાર્યક્રમ
  • પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ
  • વિદ્યાર્થીઓ ફરી શાળા પસંદ કરશે

RTE Admission Round 2 Gujarat: રાજ્યની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત બીજા રાઉન્ડનો સંભવિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ હજારો બેઠકો ખાલી રહેતા હવે વિદ્યાર્થીઓ માટે ફરીથી શાળા પસંદ કરવાની તક ઊભી થઈ છે.

બીજો રાઉન્ડ અને શાળા પસંદગીની તક

પ્રથમ રાઉન્ડના અંતે 9,770 ખાનગી સ્કૂલોમાં કુલ 11,044 બેઠકો ખાલી પડી છે, જેના માટે આગામી 25 મે, સોમવારથી બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. બીજા રાઉન્ડના એલોટમેન્ટ પહેલા વિદ્યાર્થીઓને સ્કૂલ પસંદગીની તક આપવામાં આવશે.

બીજા રાઉન્ડ માટે અગત્યની તારીખો

  • શાળાની પુનઃ પસંદગી: 25 મે, સોમવારથી 27 મે, બુધવાર સુધી ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ ખાલી જગ્યાઓ માટે શાળાની પુનઃ પસંદગી કરી શકશે.
  • બીજા રાઉન્ડની ફાળવણી: 29 મે, શુક્રવારના રોજ બીજા રાઉન્ડના પ્રવેશ ફળવાશે.
  • પ્રવેશ કન્ફર્મ કરવાની તારીખ: જે વિદ્યાર્થીઓને સ્કૂલ ફાળવવામાં આવે તેઓએ 4 જૂન, ગુરુવાર સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

પ્રથમ રાઉન્ડ બાદ ખાલી બેઠકોના આંકડા

RTE એક્ટ અંતર્ગત હાથ ધરાયેલ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં કુલ 83,678 બેઠક સામે 77,925 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. શરૂઆતમાં માત્ર પસંદગીના અભાવે જ 5,753 બેઠકો ખાલી પડી હતી, પરંતુ પ્રવેશ એલોટ થયા બાદ ઘણા વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવાનું ટાળ્યું હોવાથી ખાલી બેઠકોની સંખ્યા વધીને 11,044 થઈ ગઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે, પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોમાં સૌથી વધુ 5,953 બેઠક અંગ્રેજી માધ્યમની શાળામાં છે.

શા માટે વાલીઓએ પ્રવેશ રદ કરાવ્યો?

કેટલાક એવા ચોંકાવનારા કિસ્સા પણ સામે આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધા બાદ તેને રદ કરાવ્યો હોય. આવા કિસ્સાઓ પાછળનું મુખ્ય કારણ શાળાઓની ઉઘાડી લૂંટ હોવાનું જાણવા મળે છે. રિપોર્ટ મુજબ, કેટલીક સ્કૂલો દ્વારા નિયમિત ફી સિવાય અન્ય એક્ટિવિટીના નામે મોટી ફી માંગવામાં આવતી હોવાથી કંટાળીને વાલીઓએ પોતાના બાળકોના પ્રવેશ રદ કરાવ્યાં છે. જોકે, હવે આ ખાલી પડેલી બેઠકો માટે બીજા રાઉન્ડમાં અન્ય વિદ્યાર્થીઓને તક મળશે.