RTE Admission 2026: RTE એડમિશન માટે હજુ પણ એક તક, 10,000 થી વધુ ખાલી બેઠકો; બીજો રાઉન્ડ યોજાશે

પ્રથમ રાઉન્ડમાં RTE હેઠળ 73 હજારથી વધુ બાળકોના એડમિશન કન્ફર્મ થયા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 16 May 2026 10:13 AM (IST)Updated: Sat, 16 May 2026 10:13 AM (IST)
gujarat-rte-admissions-2026-first-round-completed-second-round-vacant-seats
HIGHLIGHTS
  • RTE હેઠળ 73,000થી વધુ પ્રવેશ કન્ફર્મ
  • 10,000 ખાલી બેઠકો માટે બીજો રાઉન્ડ

RTE Admission 2026 - Second Round: શૈક્ષણિક વર્ષ 2026-27 માં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ગુજરાતના વિદ્યાર્થીઓને ધોરણ-1 માં વિનામૂલ્યે પ્રવેશ માટેની ઓનલાઇન કેન્દ્રીય પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડના અંતે 73 હજારથી વધુ બાળકોનો પ્રવેશ કન્ફર્મ થઇ ચૂક્યો છે. જ્યારે બાકી રહેલી 10,494 ખાલી બેઠકો માટે હવે બીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે.

હજારો વાલીઓએ પ્રવેશ જતો કર્યો

આ વર્ષે પ્રથમ રાઉન્ડમાં કુલ 77,925 બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. આ ફાળવાયેલા પ્રવેશોમાંથી 73,193 વાલીઓએ પોતાનો પ્રવેશ કન્ફર્મ કર્યો હતો. આમ, 4,732 વાલીઓએ પ્રવેશ મળવા છતાં એડમિશન લીધું ન હતું અને પ્રવેશ જતો કર્યો હતો. આમાં 900 વાલીઓ એવા હતા જેમણે પ્રવેશ કન્ફર્મ કર્યા બાદ સ્કૂલ પસંદ ન પડતાં એડમિશન રદ કર્યું હતું. જ્યારે 3,832 વાલીઓ પ્રવેશ ફાળવ્યો હોવા છતાં સ્કૂલે રૂબરૂ પ્રવેશ કન્ફર્મ કરાવવા જ ગયા ન હતા.

કુલ 10,494 બેઠકો પર બીજો રાઉન્ડ

રાજ્યમાં અગાઉના રાઉન્ડમાં ન ફાળવાયેલી 5,762 બેઠકો હતી. આ બેઠકોમાં નવી ખાલી પડેલી 4,732 બેઠકો ઉમેરાતા હવે કુલ 10,494 બેઠકો ખાલી રહી છે. જેના માટે સરકાર દ્વારા RTE એડમિશનનો બીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે. જે વાલીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ નથી મળ્યો અથવા જે બેઠકો ખાલી રહી ગઈ છે, તેઓ બીજા રાઉન્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

RTE અરજીઓ અને બેઠકોનું ગણિત

આ વર્ષે રાજ્યની 9,500 થી વધુ ખાનગી શાળાઓમાં 25 ટકા ક્વોટા મુજબ 83,687 બેઠક RTE એડમિશન માટે ઉપલબ્ધ હતી. આ બેઠકો સામે સમગ્ર રાજ્યમાંથી 2,42,500 વાલીઓની ઓનલાઇન અરજી મળી હતી. ચકાસણી બાદ 2,034 અરજી રિજેક્ટ થઈ હતી અને ન અરજી કેન્સલ થઈ હતી. જ્યારે 1,85,878 અરજી પ્રવેશ પ્રક્રિયા માટે માન્ય ગણવામાં આવી હતી.

પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવ્યા બાદ વાલીઓને સ્કૂલ ખાતે રૂબરૂ જઈને પ્રવેશ કન્ફર્મ કરવા માટે 12 મે, મંગળવાર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જે બાદ આ સમયમાં ત્રણ દિવસ વધારીને 15 મે, શુક્રવાર કરવામાં આવ્યો હતો, અને તેની સાથે જ પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો હતો.

અમદાવાદ જિલ્લાની સ્થિતિ શું છે?

અમદાવાદ જિલ્લાના આંકડા પર નજર કરીએ તો, ગ્રામ્ય વિસ્તારમાં 1,883 પ્રવેશો ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી 1,734 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા છે. જ્યારે અમદાવાદ શહેર અને કોર્પોરેશન વિસ્તારમાં ફાળવાયેલા 13,562 પ્રવેશોમાંથી 12,942 વિદ્યાર્થીઓનું એડમિશન કન્ફર્મ થયું છે.