SBI Life Insurance: વીમા ક્ષેત્રે ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત કરવા અને પોલિસીધારકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે અમદાવાદ ખાતે ખાસ ફરિયાદ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) ની રાષ્ટ્રવ્યાપી પહેલ અંતર્ગત SBI લાઇફ ઇન્શ્યોરન્સ દ્વારા આયોજિત આ કેમ્પમાં ₹11 કરોડ કરતાં વધુની રકમના કુલ 593 દાવાઓનું સ્થળ પર જ સફળ સમાધાન કરવામાં આવ્યું હતું.
જીવન અને સામાન્ય વીમા ક્ષેત્રની 44 કંપની
આ કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે તેમાં નિયમનકાર અને ઉદ્યોગના તમામ મહત્વના ઘટકો એક જ મંચ પર આવ્યા હતા. જીવન અને સામાન્ય વીમા ક્ષેત્રની 44 કંપનીઓ સહિત IRDAI, જીવન વીમા પરિષદ, જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ અને વીમા લોકપાલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પની મુલાકાત લેનાર 187 પોલિસીધારકોને કંપનીઓ સાથે સીધો સંવાદ સાધવાની તક મળી હતી, જેના અંતે લાભાર્થીઓને ફરિયાદ નિવારણ પત્રો અને ક્લેઇમ સેટલમેન્ટ મેમોરેન્ડા એનાયત કરાયા હતા.
બીમા ભરોસા પોર્ટલ અને વીમા લોકપાલની કામગીરી
આ પ્રસંગે IRDAIના જનરલ મેનેજર ગૌતમ કુમાર, અમદાવાદના વીમા લોકપાલ ડૉ. પ્રણય પ્રભાકર, વીમા લોકપાલ કાઉન્સિલના મહાસચિવ સંદીપ કરમરકર જીવન વીમા પરિષદના મહાસચિવ આદિત્ય ગુપ્તા અને SBI લાઇફના ઓપરેશન્સ એન્ડ IT વિભાગના પ્રમુખ અભિજિત ગુલાનીકર ખાસ હાજર રહ્યા હતા. ઉપસ્થિત ગ્રાહકોને કંપનીના આંતરિક ફરિયાદ તંત્ર, IRDAIના બીમા ભરોસા પોર્ટલ અને વીમા લોકપાલની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
2047 સુધીમાં સૌના માટે વીમોના રાષ્ટ્રીય લક્ષ્યાંક
અભિજિત ગુલાનીકરે જણાવ્યું હતું કે SBI લાઇફનો ઉદ્દેશ્ય માત્ર પોલિસી વેચવાનો નહીં પરંતુ દરેક પરિવારને આર્થિક સુરક્ષાનો અહેસાસ કરાવવાનો છે. 2047 સુધીમાં સૌના માટે વીમોના રાષ્ટ્રીય લક્ષ્યાંક હાંસલ કરવા માટે ગ્રાહક-કેન્દ્રિત સેવા અને પારદર્શિતા અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે, 13 થી 25 નવેમ્બર 2026 દરમિયાન સમગ્ર દેશમાં આવા 16 કેમ્પ યોજીને ગ્રાહક અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
