UK Immigration:બ્રિટનમાં કડક બનેલા વિઝા નિયમો અને આર્થિક નીતિઓની સીધી અસર હવે ઇમિગ્રેશન સ્થિતિ પર જોવા મળી રહી છે. UKની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ એટલે કે ONS દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે જૂન 2026ના અંત સુધીના એક વર્ષમાં બ્રિટન છોડીને જનારા બિન-યુરોપિયન નાગરિકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ રહી છે.
આ 12 મહિનાના સમયગાળા દરમિયાન કુલ 85,000 ભારતીયોએ બ્રિટન છોડ્યું છે. જેમાં સ્ટડી વિઝા પર ગયેલા 55,000 વિદ્યાર્થીઓ, વર્ક વિઝા પર ગયેલા 28,000 નોકરિયાતો અને અન્ય વિઝા કેટેગરીના 2,000 નાગરિકોનો સમાવેશ થાય છે. બ્રિટન છોડનારાઓની યાદીમાં 51,000 નાગરિકો સાથે ચીન બીજા ક્રમે રહ્યું છે. બીજી તરફ બ્રિટન આવનારા વિદેશીઓમાં પણ ભારતીયો મોખરે રહ્યા છે; આ વર્ષમાં 77,000 ભારતીયો અભ્યાસ માટે અને 40,000 ભારતીયો રોજગારી માટે બ્રિટન પહોંચ્યા છે.
નેટ માઇગ્રેશનમાં 92 ટકાનો મોટો ઘટાડો
આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે બ્રિટનનું નેટ માઇગ્રેશન એટલે કે દેશમાં આવનારા અને દેશ છોડનારા લોકો વચ્ચેનો તફાવત જૂન 2026 સુધીના વર્ષમાં ઘટીને 77,000 થઈ ગયો છે, જે વર્ષ 2023માં 9,44,000ની ઊંચી સપાટીએ હતું. કોવિડ-19 મહામારીના વર્ષ 2020ને બાદ કરતાં વર્ષ 1997 પછીનું આ સૌથી નીચું સ્તર છે.
બ્રિટનના ગૃહ મંત્રી શબાના મહમૂદે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સરકારે દેશની સરહદો પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે. અગાઉની સરકારના સર્વોચ્ચ સ્તરની સરખામણીએ નેટ માઇગ્રેશનમાં 92 ટકાનો ઘટાડો થયો છે. કુશળ અને યોગ્યતા ધરાવતા કામદારોને આકર્ષવા માટે સરકારે પગાર અને કૌશલ્યના ધોરણો ઊંચા કર્યા છે, તેમજ ગેરકાયદેસર ઘૂસણખોરી સામે કડક પગલાં લીધાં છે.
શું કહે છે આંકડા
કુલ આવેલા: જૂન 2026 સુધીમાં 7,38,000 લોકો બ્રિટન આવ્યા હતા, જે અગાઉના વર્ષના 8,93,000 કરતાં 17 ટકા ઓછા છે. તેમાં 5,50,000 લોકો બિન-યુરોપિયન દેશો ખાસ કરીને ભારત, ચીન અને નાઇજીરીયા માંથી આવ્યા હતા.
કુલ છોડી ગયેલા: 6,61,000 લોકોએ બ્રિટન છોડ્યું હતું, જે પાછલા વર્ષે 6,89,000 હતું. તેમાં 2,92,000 બિન-યુરોપિયન નાગરિકો સામેલ હતા.
ગેરકાયદે પ્રવેશ કરનાર: હોમ ઓફિસના અલગ રિપોર્ટ પ્રમાણે સપ્ટેમ્બર 2026 સુધીના વર્ષમાં 31,000 લોકો ગેરકાયદેસર રીતે બ્રિટનમાં પ્રવેશતા પકડાયા હતા, જેમાંથી 86 ટકા લોકો નાની બોટ દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવ્યા હતા. આશ્રય (Asylum) માટે આવનારાઓની સંખ્યા પણ 93,000થી ઘટીને 73,000 થઈ છે.
જોકે નેટ માઇગ્રેશન ઘટવા છતાં કાયમી વસવાટ (Settled Status) મેળવનારાઓની સંખ્યા સપ્ટેમ્બર 2026 સુધીમાં 2,41,000ની રેકોર્ડ સપાટી નજીક પહોંચી છે, જેના કારણે સરકાર પર હજુ પણ દબાણ યથાવત્ છે.
