Ahmedabad: યુનાઈટેડ કિંગડમ (UK)માં વસવાટ કરી રહેલા ભારતીય મોહમ્મદ શેખવાલાને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. UKના ગૃહમંત્રાલયે મોહમ્મદ શેખવાલાને દેશ છોડવા માટે આજે એટલે કે 22 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે, જો તેઓ દેશ છોડવાના આદેશનું પાલન નહીં કરે, તો તેમની ધરપકડ કરવામાં આવશે.
ગત વર્ષે અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોહમ્મદ શેખાવાલાએ પોતાની પત્ની અને બે વર્ષની પુત્રીને ગુમાવ્યા હતા. શેખાવાલા પોતાની પત્નીના સ્ટૂડન્ટ વિઝા પર એક ડિપેન્ડેન્ટ તરીકે બ્રિટનમાં રહેતા હતા. એવામાં બ્રિટિશ સરકારના આ પગલાની ચોતરફ ટીકા કરવામાં આવી રહી છે.
બ્રિટનના મીડિયા રિપોર્ટ અનુસાર, મોહમ્મદ શેખવાલાએ UKના ગૃહમંત્રાલય સમક્ષ માનવીય આધાર પર વિઝાની મુદ્દત વધારવા માટે અરજી કરી હતી. જો કે ગૃહ મંત્રાલય દ્વારા મોહમ્મદ શેખવાલાની અરજીને ફગાવી દેવામાં આવી હતી. આ સાથે જ તેમને ઈમિગ્રેશન જામીન પર રહીને દેશ છોડવાનો આદેશ આપ્યો છે.
બીજી તરફ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતાં શેખાવાલાએ જણાવ્યું કે, હું સરકારના આ નિર્ણયને નથી સ્વીકારતો. આ કારણોસર મારી તબીયત પણ સારી નથી રહેતી. આથી હું આ આદેશને માની શકતો નથી.
જણાવી દઈએ કે, 2025માં અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ એરપોર્ટ પરથી ટેક ઑફ કર્યાની ગણતરીની મિનિટોમાં ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં શેખવાલાની પત્ની સાદિકાબાનુ તપેલીવાલા અને તેમની 2 વર્ષની પુત્રી ફાતિમાનું મોત નીપજ્યું હતુ.
જ્યારે મોહમ્મદ શેખવાલા માર્ચ 2022થી પોતાની પત્નીના સ્ટૂડન્ટ વિઝા પર આશ્રિત તરીકે બ્રિટનમાં પહોંચ્યા હતા. જ્યારે તેમની પત્ની સાદિકાબાનુ લંડનની અલસ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. આ દંપતીને બ્રિટિશ મૂળની પુત્રી પણ જન્મી હતી. સાદિકાબાનુ ભવિષ્યમાં સ્કિલ્ડ વર્કર તરીકે UKમાં વસવાટ કરવાની યોજના બનાવી રહી હતી.
ડિલિવરી ડ્રાઈવર તરીકે કામ કરતાં શેખવાલાએ જણાવ્યું કે, એર ઈન્ડિયાએ તેમને લંડનમાં તાજ ગ્રુપમાં નોકરીની ઑફર આપી હતી. જો કે વીઝાની મુદ્દત પૂરી થઈ જવાના કારણે તેમને આ ઓફર નકારવી પડી હતી.
ગત સપ્તાહે શેખાવાલાના વકીલને મોકલવામાં આવેલ એક લેટરમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, મોહમ્મદ શેખવાલાનો પરિવાર ભારતમાં વસવાટ કરે છે અને તેઓ પોતાની માતૃભાષા સારી રીતે સમજે છે. આથી તેમને ત્યાં ફરીથી સ્થાયી થવામાં કોઈ વધારે તકલીફ નહીં પડે. જેના આધારે તેમને 22 એપ્રિલ સુધીમાં દેશ છોડવા માટેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
