Indian Russian Oil Import: ભારતીય ઓઈલ રિફાઈનરી કંપનીઓએ ખરીદીના સ્રોતોમાં ફેરફાર કરતા નવેમ્બર મહિનામાં રશિયા પાસેથી આવતા કાચા તેલના જથ્થામાં નોંધપાત ઘટાડો નોંધાયો છે. રશિયન તેલ પર મળતું ડિસ્કાઉન્ટ ઘટવું, શિપિંગ ખર્ચમાં વધારો થવો અને પશ્ચિમ એશિયાથી પુરવઠાની સ્થિતિ સુધરવી આ ફેરફાર પાછળના મુખ્ય કારણો માનવામાં આવે છે.
નવેમ્બરમાં ઘટીને આશરે 16.5 લાખ બેરલ પ્રતિદિન થઈ
આ પણ વાંચો
કોમોડિટી માર્કેટ એનાલિટિક્સ ફર્મ કેપ્લરના ડેટા પ્રમાણે જુલાઈમાં રશિયન ક્રૂડની આયાત લગભગ 28 લાખ બેરલ પ્રતિદિનના સર્વોચ્ચ સ્તરે હતી, જે નવેમ્બરમાં ઘટીને આશરે 16.5 લાખ બેરલ પ્રતિદિન થઈ ગઈ છે. અગાઉ સપ્ટેમ્બરમાં આ આંકડો 18.7 લાખ બેરલ પ્રતિદિન સુધી નીચે આવ્યો હતો અને ઓક્ટોબરમાં થોડા સુધારા સાથે 20.5 લાખ બેરલ પ્રતિદિન પર પહોંચ્યો હતો.
પશ્ચિમ એશિયાઈ દેશોમાંથી ખરીદીમાં ઝડપી વૃદ્ધિ
બીજી તરફ હોર્મુઝની ખાડી મારફતે ઓઈલના પરિવહનમાં ક્રમશઃ સુધારો થતા સાઉદી અરેબિયા અને ઈરાક જેવા પરંપરાગત પશ્ચિમ એશિયાઈ દેશોમાંથી ખરીદીમાં ઝડપી વૃદ્ધિ થઈ છે. બંને દેશોમાંથી થતી સંયુક્ત આયાત ઓક્ટોબરના 10.3 લાખ બેરલ પ્રતિદિનથી વધીને નવેમ્બરમાં લગભગ 16.1 લાખ બેરલ પ્રતિદિન થઈ છે. આ ઉપરાંત રિફાઈનરીઓએ બ્રાઝિલ અને વેનેઝુએલામાંથી પણ ખરીદી વધારીને પુરવઠામાં વૈવિધ્ય લાવવાના પ્રયાસો તેજ કર્યા છે.
ભારત માટે રશિયા હજુ પણ સૌથી મોટો ક્રૂડ સપ્લાયર
કેપ્લરના સિનિયર મેનેજર સુમિત રિતોલિયાએ જણાવ્યું કે ભારત માટે રશિયા હજુ પણ સૌથી મોટો ક્રૂડ સપ્લાયર છે, પરંતુ વર્ષના મધ્યભાગથી તેનું પ્રભુત્વ ઘટી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા પુરવઠો સામાન્ય થતા પશ્ચિમ એશિયાઈ તેલની ખરીદી વધારવામાં મદદ મળી છે.
ઈંધણની મજબૂત માંગ
જોકે રશિયન ક્રૂડને સંપૂર્ણપણે પડતું મૂકવાની શક્યતા જણાતી નથી. દેશમાં રિફાઈનરીઓનું ઊંચું ક્ષમતા-ઉપયોગ, સ્થાનિક બજારમાં ઈંધણની મજબૂત માંગ અને રિફાઈન્ડ પેટ્રોલિયમ પેદાશોની નિકાસને કારણે ભારતની કુલ ક્રૂડ આયાત જળવાઈ રહી છે. હવે રિફાઈનરીઓ માત્ર શરૂઆતી ડિસ્કાઉન્ટને બદલે સપ્લાયની અંતિમ કિંમત અને વિશ્વસનીયતાને પ્રાથમિકતા આપી રહી છે.
