રશિયાના બ્લેક સી કિનારે તેલ ટેન્કર પર યુક્રેનનો ડ્રોન હુમલો, 23 ભારતીય ક્રૂ સભ્યોને સુરક્ષિત બચાવાયા

રશિયાના બ્લેક સી કિનારે લાઇબેરિયન ધ્વજવાળા તેલ ટેન્કર પર યુક્રેનના ડ્રોન હુમલા બાદ આગ લાગી હતી. ટેન્કર પર સવાર 23 ભારતીય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 07 Oct 2026 09:24 AM (IST)Updated: Wed, 07 Oct 2026 09:24 AM (IST)
russia-black-sea-oil-tanker-drone-attack-23-indian-crew-members-rescued

Ukrainian drone attack Black Sea: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે બ્લેક સી (Black Sea) વિસ્તારમાં વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. રશિયાના કિનારે લાઇબેરિયન ધ્વજવાળા તેલ ટેન્કર પર ડ્રોન હુમલો થતાં આગ ભભૂકી ઉઠી હતી. ટેન્કર પર સવાર તમામ 23 ભારતીય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાનું રશિયન સત્તાવાળાઓએ જણાવ્યું છે.

બ્લેક સીમાં તેલ ટેન્કર પર હુમલો

મંગળવારે રશિયાના બ્લેક સી કિનારે લાઇબેરિયન ધ્વજવાળા અફ્રામેક્સ રિયો (Aframax Rio) નામના તેલ ટેન્કર પર યુક્રેનના ડ્રોન હુમલાની ઘટના બની હતી. હુમલા બાદ ટેન્કરમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

રશિયાના પરિવહન મંત્રાલયના જણાવ્યા મુજબ, ટેન્કર પર નેવલ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા પછી ક્રૂડ ઓઇલમાં આગ લાગી હતી અને શરૂઆતમાં આગની તીવ્રતા એટલી વધુ હતી કે ફાયર બ્રિગેડના દળો તરત જ તેને કાબૂમાં લઈ શક્યા નહોતા.

23 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

આ ટેન્કર પર કુલ 23 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. રશિયન અધિકારીઓએ જણાવ્યું કે તમામ ભારતીયોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. આ ઘટનાએ ભારતીય નાવિકોની સુરક્ષા અંગે ફરી એકવાર ચિંતા વધારી છે, કારણ કે બ્લેક સી વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોથી યુદ્ધના કારણે સંવેદનશીલ માનવામાં આવે છે.

દરિયાકિનારા બંધ કરાયા

હુમલા બાદ સોચી (Sochi) નજીકના કેટલાક દરિયાકિનારાઓને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા હતા. સ્થાનિક પ્રશાસને હવા અને પાણીની ગુણવત્તા પર સતત નજર રાખવાની કાર્યવાહી શરૂ કરી છે. સિરીયસ ફેડરલ ક્ષેત્રના વડા દિમિત્રી પ્લિશ્કિને જણાવ્યું કે પ્રદૂષણનું સ્તર મંજૂર મર્યાદાથી ઘણું ઓછું છે અને હાલ લોકોના સ્વાસ્થ્ય માટે કોઈ જોખમ નથી.

બ્લેક સીમાં વધતા હુમલાઓથી ચિંતા

2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ બ્લેક સીમાં વ્યાપારી જહાજો પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે. બંને દેશો વચ્ચેના સંઘર્ષની અસર દરિયાઈ વેપાર અને શિપિંગ માર્ગો પર પણ જોવા મળી રહી છે. આ પહેલા પણ વિવિધ દેશોના ધ્વજવાળા વેપારી જહાજો પર હુમલાની ઘટનાઓ બની ચૂકી છે. તાજેતરમાં એક વેપારી જહાજ પર થયેલા હુમલામાં એક ક્રૂ સભ્યના મોત અને અનેક લોકોના ઘાયલ થવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.

ભારતે અગાઉ વ્યક્ત કરી હતી ચિંતા

ભારતના વિદેશ મંત્રાલયે અગાઉ બ્લેક સી અને હોર્મુઝ જળમાર્ગ વિસ્તારમાં વેપારી જહાજો પર થતા હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે આંતરરાષ્ટ્રીય શિપિંગ અને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવાની અપીલ પણ કરી હતી.