Fake Hallmark Gold Jewellery: માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે. નવરાત્રી બાદ દિવાળી અને પછી લગ્નગાળાની સિઝન શરૂ થઈ જશે. એવામાં જો તમને નવરાત્રી-દિવાળીના તહેવારો અને લગ્ન માટે 'હોલમાર્ક' ચેક કરીને સોનું ખરીદી રહ્યા હોવ, તો તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જે સોનાને હોલમાર્ક તપાસીને અસલી સમજીને ખરીદી કરો છો, તેમાં ભેળસેળ કે નકલી પણ હોઈ સકે છે.
હકીકતમાં સરકાર દ્વારા સોનાની હોલમાર્કિંગ ફીમાં વધારો કર્યા બાદ ઑલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) દ્વારા ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે.
GJCનું કહેવું છે કે, સરકાર દ્વારા વધારવામાં આવેલી ફીનો ફાયદો ઉઠાવીને કેટલાક લેભાગુ સોની અને જ્વેલર્સ સોના પર બોગસ હોલમાર્ક લગાવીને તમને છેતરી શકે છે.
હોલમાર્કિંગનો ચાર્જ કેટલો વધારવામાં આવ્યો?
તાજેતરમાં જ સોનાના દાગીના પર લાગતા હોલમાર્કિગ ચાર્જમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. પહેલા દાગીના દીઠ હોલમાર્કિંગ કરાવવાનો ખર્ચ માત્ર 45 રૂપિયા જ હતો. જો કે હવે આ ચાર્જ વધારીને તેને 75 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
ગ્રાહકોને 30 રૂપિયાનો વધારો સામાન્ય લાગતો હોય, પરંતુ જે સોની કે જ્વેલર્સ જથ્થાબંધમાં હજારો દાગીના બનાવતા હોય, તેમના માટે આ ખર્ચ એકાએક વધી ગયો છે.
બજારમાં બોગસ હોલમાર્કિંગ સ્ટેમ્પનો ગોરખધંધો
જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)એ બજારમાં બોગસ હોલમાર્કિંગ સ્ટેમ્પનો ગોરખધંધો ધમધમી શકવાની આશંકા વ્યક્ત કરતાં સરકાર અને એજન્સીઓને ચેતવ્યા છે. રૂ. 75નો ચાર્જ અને સત્તાવાર હોલમાર્કિંગ સેન્ટરના ધક્કાથી બચવા માટે કેટલાક લેભાગુ સોનીઓ પોતાની જ દુકાનમાં નકલી સ્ટેમ્પ છાપીને ગ્રાહકોને પધરાવી શકે છે.
આ અંગે ઑલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)ના ચેરમેન રાજેશ રોકડેએ જણાવ્યું કે, દેશના 800 જિલ્લાઓ પૈકી માત્ર 10 ટકામાં જ લોકો BIS એપ વિશે જાણકારી ધરાવે છે. જેના પરિણામે ગ્રાહકો સરળતાથી ઠગાઈનો ભોગ બની શકે છે, કારણ કે લેભાગુ તત્વો હોલમાર્કિંગ સિક્યુરિટીના માપદંડોની નકલ કરવા માટે સતત નવી અને એડવાન્સ તરકીબો અજમાવી રહ્યા છે.
અમે કેબિનેટ મંત્રી પ્રહલાદ જોશી અને BIS સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. અમારી માંગ છે કે, દાગીના દીઠ હોલ માર્કિંગ ચાર્જ 75 રૂપિયાથી ઘટાડીને પહેલાની જેમ 45 રૂપિયા કરી દેવામાં આવે.
ભારતમાં રજિસ્ટર્ડ હોલમાર્કિંગ સેન્ટર્સની સંખ્યા વધી
GJS દ્વારા પ્રાપ્ત સરકારી આંકડા અનુસાર, ભારતમાં રજિસ્ટર્ડ હોલમાર્કિંગ સેન્ટરની સંખ્યા જુલાઈ 2022માં 1220 હતી, જે જુલાઈ 2026માં વધીને 1577 પર પહોંચી ચૂકી છે. આ દરમિયાન HUID સાથે હોલમાર્ક કરવામાં આવેલા દાગીનાની કુલ સંખ્યા 650 મિલિયનથી વધી ગઈ છે. એટલે કે હોલમાર્કિંગની ગતિવિધિમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
તમે ખરીદેલું સોનું અસલી છે કે નકલી? આ રીતે ચેક કરો
સોનું ખરીદતી વખતે છેતરપિંડીથી બચવા માટે તમારે વિશ્વસનીય અને રજિસ્ટર્ડ જ્વેલર્સ પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. પ્યોર ગોલ્ડ પર બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક દર્શાવેલો હોય છે.
એવામાં ગ્રાહકોના મનમાં સ્વાભાવિક એક સવાલ ઉઠે કે, શું કોઈ સોની દાગીના પર નકલી હોલમાર્ક છાપી દે તો? એવામાં તમારી શંકા દૂર કરવા માટે દાગીના પર છાપવામાં આવેલ હોલમાર્ક નકલી હોય, તો તમે હોલમાર્ક યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર (HUID) થકી પણ સોનાની શુદ્ધતાની તપાસ કરી શકો છો. દરેક જ્વેલરી પર હોલમાર્ક સાથે યુનિક નંબર છાપવામાં આવે છે.
જો તમે ધ્યાનથી તમારા દાગીના દેખશો તો, તેના ઉપર AZ4524 જેવો કોઈ નંબર પ્રિન્ટ કરેલો હશે. આ નંબર દ્વારા તમે ગોલ્ડ પ્યોરિટી ચકાસી શકો છે. આ નંબરમાં કેરેટ અને સોનાની શુદ્ધતાની જાણકારી છુપાયેલી છે. આ આલ્ફાન્યુમરિક કોડને BIS Care App પર જઈને વેરિફાઈ કરી શકાય છે.
