Vadodara CREDAI Garba No Tilak No Entry: વડોદરાની નવરાત્રિ તેના ભવ્ય આયોજન, શિસ્ત અને પરંપરાગત ગરબા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે. હવે નવરાત્રિ મહોત્સવને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સંસ્કારી નગરીમાં આયોજકો દ્વારા તૈયારીઓ આખરી ઓપ તરફ તેજ કરી દેવામાં આવી છે.
ગરબા રસિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે યોજાતા ક્રેડાઇ નવરાત્રી ફેસ્ટિવલના આયોજન સ્થળે લગાવવામાં આવેલા એક વિશિષ્ટ બોર્ડે ભારે આકર્ષણ અને ચર્ચા જગાવી છે.
બોક્સ ઓફિસ બહાર ‘નો તિલક, નો એન્ટ્રી’ના બેનરો
નવલખી મેદાન ખાતે ક્રેડાઇ દ્વારા આયોજિત ગરબા મહોત્સવની બોક્સ ઓફિસ બહાર જ 'નો તિલક, નો એન્ટ્રી' લખેલા બેનરો લગાવી દેવામાં આવ્યા છે. આ આયોજનમાં પ્રવેશ મેળવવા માટે કપાળે તિલક હોવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સતત ત્રીજા વર્ષે આયોજકો દ્વારા આ નિયમનું કડક પાલન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે પણ આ નિયમ અમલી બનાવાયો હતો અને આ વર્ષે પણ ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશતા તમામ ખેલૈયાઓ અને દર્શકો માટે આ શરત અનિવાર્ય રહેશે.
અસામાજિક તત્વો અને વિધર્મીઓ પર રોક લગાવવાનો હેતુ
હિંદુ ધર્મના આ પવિત્ર આરાધના પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગરબાની પવિત્રતા જળવાઈ રહે તે માટે આયોજકો દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
અસામાજિક તત્વો કે વિધર્મીઓ ખોટી રીતે ઓળખ છુપાવીને કે ખોટા આશયથી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન કરી શકે અને ખેલૈયાઓની સુરક્ષા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે આ કડક આચારસંહિતા ઘડવામાં આવી છે. તિલકના માધ્યમથી ઓળખ ચકાસણી સરળ બને છે અને સંભવિત અસામાજિક પ્રવૃત્તિઓને શરૂઆતમાં જ અટકાવી શકાય છે.
ખેલૈયાઓ અને વાલીઓએ નિર્ણયને વધાવ્યો
આયોજકોના આ નિર્ણયને વડોદરાના ખેલૈયાઓ તેમજ ગરબાપ્રેમીઓએ હૃદયપૂર્વક આવકાર્યો છે. ગરબા રમવા આવતી યુવતીઓ અને તેમના વાલીઓએ રાહતનો શ્વાસ લેતાં જણાવ્યું હતું કે, આ પ્રકારના નિયમોથી ગરબા મહોત્સવનું વાતાવરણ સુરક્ષિત અને ધાર્મિક બને છે.
જો કોઈ અસામાજિક તત્વ ખોટી રીતે પ્રવેશવાનો પ્રયાસ કરે તો પણ તેને પ્રવેશદ્વાર પર જ અટકાવી શકાય છે, જેનાથી કોઈ અનિચ્છનીય ઘટના બનતી અટકે છે.
વડોદરાની વિશ્વપ્રસિદ્ધ નવરાત્રિની ગરિમા અને સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે લેવાયેલો આ ‘નો તિલક, નો એન્ટ્રી’નો નિર્ણય આ વર્ષે પણ ગરબા રસિકો માટે સુરક્ષિત અને ભક્તિમય માહોલ પૂરો પાડવામાં મહત્વનો ભાગ ભજવશે.
