Ahmedabad Makarba Bridge Suicide: થોડા દિવસો પહેલા જ લોકાર્પણ થયેલા અમદાવાદ શહેરના મકરબા બ્રિજ ઉપરથી પડતું મૂકીને યુવકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજે બપોરે 3 વાગ્યાની આસપાસ એક યુવક નવનિર્મિત મકરબા બ્રિજ પર આવ્યો હતો. જેણે બ્રિજ પર પોતાનું ટુ-વ્હીલર મૂકીને કોઈ કંઈ સમજે તે પહેલા જ નીચે કૂદકો મારી દીધો હતો.
બ્રિજ પરથી નીચે પટકાતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતુ. બીજી તરફ આ બનાવની જાણ થતાં સરખેજ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જ્યાં પંચનામું કર્યાં બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ પાર્થ સોયંત્રા (33) તરીકે થઈ છે, જે વેજલપુરમાં રહેતો હતો. યુવકે ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું, તે જાણવા માટે તેના પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રૂ. 98 કરોડથી વધુના ખર્ચે બનેલા મકરબા ઓવર બ્રિજનું ગત 24 સપ્ટેમ્બરના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ બ્રિજનો છેડો સીધો ચાર રસ્તા પર ઉતરવાના કારણે ટ્રાફિક જામ થવાના કારણે વિવાદમાં સપડાયો હતો.
આખરે તંત્ર દ્વારા બ્રિજના છેડે બેરિકેડિંગ કરીને રસ્તો ડાયવર્ટ કરીને સંતોષ માનવામાં આવ્યો છે. જો કે આ રોડ પરથી દરરોજ પસાર થઈ રહેલા હજારો વાહન ચાલકોને 300 મીટર જેટલો વધારાનો ફેરો ફરવો પડતો હોવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
