Pilot Smit Machhar: 180 લોકોના જીવ બચાવનાર પાઈલટની બહાદૂરીથી પાડોશીઓ ગદ્દગદ્દ, કહ્યું- 'સ્મિત મચ્છરે વઢવાણનું નામ દુનિયામાં રોશન કર્યું'

મૂળ વઢવાણના પાયલટ સ્મિત મચ્છરે UAEથી ઈઝરાયેલ જતી ફ્લાય દુબઈની ફ્લાઈટમાં હાઈજેકનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. ઈજાગ્રસ્ત હોવા છતાં 180 લોકોના જીવ બચાવવા બદલ વતન વઢવાણ અને સાવરકુંડલામાં ગર્વની લાગણી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 01 Oct 2026 06:32 PM (IST)Updated: Thu, 01 Oct 2026 06:32 PM (IST)
pilot-smit-machhar-saves-180-lives-heroic-act-brings-pride-to-wadhwan

Pilot Smit Machhar Wadhwan: UAEથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાય દુબઈની ફ્લાઈટ હવામાં જ હાઈજેક કરીને 9-11 જેવા આતંકવાદી હુમલાનો પ્રયાસ મૂળ ગુજરાતના પાયલટ સ્મિત મચ્છારે નિષ્ફળ બનાવ્યો છે.

ફ્લાય દુબઈના ઓમાની કો-પાયલટે જીવલેણ હુમલો કર્યો હોવા છતાં મૂળ વઢવાણના વતની એવા સ્મિત મચ્છરે લોહીલુહાણ હાલતમાં પોતાની બહાદુરીથી 174 મુસાફરો સહિત 180 લોકોના જીવ બચાવી લીધા હતા. એવામાં સ્મિત મચ્છરના વઢવાણ સ્થિત પાડોશીઓ પણ તેના સાહસ બદલ ગર્વ અનુભવી રહ્યા છે.

સ્મિત પંડ્યાના વડવાઓ વર્ષો પહેલા મુંબઈ સ્થાયી થયા હતા

આ અંગે વઢવાણ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના પ્રમુખે જણાવ્યું કે, સ્મિત મચ્છરના વડવાઓ આજથી 100 વર્ષ પહેલા વઢવાણથી મુંબઈ સ્થાયી થયા હતા. સ્મિત મચ્છારે વઢવાણનું નામ દુનિયામાં રોશન કર્યું, જેનો અમને ગર્વ છે.

અન્ય એક પાડોશીએ જણાવ્યું કે, મચ્છર પરિવાર વર્ષો અગાઉ અમારી બાજુમાં રહેતો હતો. ટીવી પર સ્મિતની બહાદૂરીના સમાચાર જોઈને અમને ખૂબ ખુશી થઈ છે.

સ્મિત મચ્છર હંમેશા બીજાને મદદ કરવા માટે તત્પરઃ બાળપણના મિત્ર

મુંબઈમાં સ્મિત મચ્છરના બાળપણના મિત્ર અને પાડોશી ડો. જીનિત શાહે જણાવ્યું કે, તેઓ હંમેશા બીજાની મદદ કરવા માટે તત્પર રહે છે. સ્મિત બે-ત્રણ વર્ષ પહેલા જ દુબઈ રહેવા જતાં રહ્યા હતા. જો કે જ્યારે પણ તેઓ માતા-પિતાને મળવા માટે મુંબઈ આવતા, ત્યારે મારી તેમની સાથે વાત થતી હતી. તેમણે સ્મિત મચ્છરના ઝડપથી સાજા થવા માટે કામના કરી છે.

અન્ય એક મિત્ર પ્રતિક ગાંધીએ જણાવ્યું કે, સ્મિત બાળપણથી જ શાંત સ્વભાવનો વ્યક્તિ છે. અમે બન્ને સાથે જ ક્રિકેટ રમતા હતા. જ્યારે અમને સ્મિતના ઘાયલ થવાની જાણ થઈ, ત્યારે અમને પણ આંચકો લાગ્યો હતો. જો કે ઓપરેશન બાદ તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અમને તેમના પર ગર્વ છે.


સ્મિત મચ્છર જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી ઈશ્વરને પાર્થનાઃ ધારાસભ્ય મહેશ કશવાલા

સ્મિત મચ્છર વઢવાણના વતની હોવાની સાથે-સાથે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જમાઈ પણ છે. સાવરકુંડલામાં વસતા સ્મિત મચ્છરના કૌટુંબિક સાળાએ પોતાના બનેવીની હિંમતને બિરદાવતા ગર્વ અનુભવતા હોવાનું જણાવ્યું હતુ.

જ્યારે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કશવાલાએ જણાવ્યું કે, 182 લોકોને લઈ જતા હવાઈ જહાજને જાનની બાજી લગાવીને હાઈજેક થતું બચાવનાર સ્મિત મચ્છર માત્ર પાઈલટ નહીં, પરંતુ ભારતનો બહાદૂર સપૂત છે. તેઓ અમારા સાવરકુંડલાના જમાઈ છે. તેમની કર્તવ્યનિષ્ઠાની દુનિયાના દિગ્ગજ નેતાઓએ નોંધ લીધી છે. સ્મિત મચ્છર ઝડપથી સાજા થઈ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના.