Gujarat Weather Today: આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે, 26 નવેમ્બર સુધી કેવું રહેશે રાજ્યનું હવામાન

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર રહેશે. લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી જેટલું નીચું રહેશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 20 Nov 2026 06:00 AM (IST)Updated: Fri, 20 Nov 2026 06:00 AM (IST)
gujarat-weather-today-cold-conditions-expected-across-the-state

Gujarat Weather Today (20 November 2026) | આજનું હવામાન તાપમાન: રાજ્યમાં આજે સવારે ટાઢક અનુભવાઇ હતી. શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ રાત્રે અને સવારે થયો હતો. જોકે બપોર બાદ ગરમી યથાવત રહી છે. હવામાન વિભાગ અનુસાર, આજે પણ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે.

આજે ઠંડીનો ચમકારો કેવો રહેશે

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર રહેશે. લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી જેટલું નીચું રહેશે. જોકે ત્યારબાદ પારો 2થી 3 ડિગ્રી જેટલો ઉંચો જઇ શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ગગડ્યું હતું. 17 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

26 નવેમ્બર સુધી રાજ્યમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગના એક્સ્ટેન્ડ રેન્જ ફોરકાસ્ટનું આગામી દિવસોનું અનુમાન જોઇએ તો રાજ્યમાં 26 નવેમ્બર સુધી માવઠાની શક્યતા નહિવત છે. વાત લઘુત્તમ તાપમાન એટલે કે રાત્રીનું તાપમાન કેવું રહેશે અને ઠંડીનો ચમકારો કેવો રહેશે તેની કરીએ તો 20થી 26 નવેમ્બર દરમિયાન 16થી 22 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. મહત્તમ તાપમાનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન દિવસનું તાપમાન 28થી 34 ડિગ્રીની આસપાસ રહી શકે છે. એક્સ્ટેન્ડ રેન્જ ફોરકાસ્ટના પુર્વાનુમાન અનુસાર આગામી દિવસોમાં ઠંડીનું જોર જોવા મળી શકે છે.

વાવાઝોડું નરસાપુર અને પુરી વચ્ચેથી પસાર થઇ શકે

હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં અકવાન વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામં આગળ વધ્યું છે. આ વાવાઝોડું નરસાપુરથી 390 કિ.મી., કલિંગપટનમથી 350 કિ.મી., ગોપાલપુરથી 430 કિ.મી. અને ચેન્નાઇથી 600 કિ.મી. દૂર છે. આ વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. આવતીકાલે 20 નવેમ્બરના રોજ નરસાપુર અને પુરી વચ્ચેથી પસાર થઇ શકે છે. એ સમયે તેની ઝડપ 90થી 110 કિ.મી. પ્રતિ કલાકની રહી શકે છે. આ વાવાઝોડાની અસરના પગલે આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.