Rajkot: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મવડી વિસ્તારનાં 70 વર્ષીય વૃદ્ધા સારવાર માટે આવ્યા હતા. જ્યા તેમના હાથમાં સડો થઈ ગયા બાદ બે રેસિડેન્ટ તબીબોએ તેમની સારવાર કરવાના બદલે માનવતા નેવે મૂકીને નિરાધાર વૃદ્ધાને પોસ્ટમોર્ટમ રૂમ નજીક સ્ટ્રેચરમાં રેઢા મૂકી દીધા હતાં. આ મામલે હેલ્પ ડેસ્કના સ્ટાફને જાણ થતાં વૃદ્ધાને સારવાર માટે સવારે દાખલ કરવામાં આવ્યા હતાં અને જવાબદાર બન્ને તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હોસ્પિટલમાં એડમિટ 70 વર્ષીય વૃદ્ધાનું આજે મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના મવડી વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વર્ષાબેન ભાસ્કરને હાથમાં સડો થઈ ગયો હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ ડો. જૈનમ મહેતા અને ડૉ. હેત પટેલ વૃદ્ધાને પોસ્ટમોર્ટમ રૂમ નજીક સ્ટ્રેચરમાં લઈ જઈ રેઢા મૂકી દીધા હતા.
જો કે હેલ્પ ડેસ્કની ટીમ વૃદ્ધાની તપાસ કરવા આવી ત્યારે તેઓ વોર્ડમાં જોવા ના મળતા CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં વૃદ્ધા પોસ્ટમોર્ટમ રૂમ નજીક સ્ટ્રેચરમાં હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી હેલ્પ ડેસ્કની ટીમે વૃદ્ધાને વોર્ડમાં ખસેડીને તબીબી અધિક્ષકને જાણ કરી હતી.
આ મામલે દયાહીન કૃત્ય કરનાર ડૉ. હેત અને ડૉ. જૈનમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે છેલ્લા એક સપ્તાહથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વર્ષાબેન ભાસ્કરનું આજે મોત નીપજ્યું છે. આ મામલે તબીબી આલમમાં ભારે ચર્ચા જાગી છે. વૃદ્ધાની યોગ્ય સમયે સારવાર નહીં કરીને માનવતા નેવે મૂકનાર ડો.જૈનમ અને ડો.હેત સામે સસ્પેન્શનના પગલા ભરવામાં આવ્યા છે, ત્યારે હવે આ વૃદ્ધાનું મોત થતાં જવાબદાર બન્ને તબીબો સામે શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું.મૃતક વૃદ્ધાના વાલીવારસ નહીં હોવાથી તેમની અંતિમ વિધિ પણ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી હતી.
