Rajkot: 'ગરબા ગ્રાઉન્ડમાં ડૉક્ટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા, ખેલૈયાઓ માટે વીમો ફરજિયાત'- ગેમઝોન અગ્નિકાંડ બાદ પોલીસની ગાઈડલાઈન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Sep 2024 05:00 PM (IST)Updated: Sat, 21 Sep 2024 05:04 PM (IST)
rajkot-news-police-guideline-for-garba-event-dutring-navaratri-2024

Rajkot: રાજકોટમાં આગામી નવરાત્રીના તહેવાર પૂર્વે અર્વાચીન રાસોત્સવના આયોજકોને સાત નહીં પરંતુ 11 કોઠા વિંધવા પડે તેવી આકરી શરતો સાથેની માર્ગદર્શિકા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે. વિવિધ સરકારી વિભાગોના તમા પ્રકારના લાઈસન્સ અને મંજૂરી હશે, તો જ પોલીસ દ્વારા ગરબાના આયોજનને મંજૂરી આપવામાં આવશે.

આજે DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધીને અર્વાચિન રાસોત્સવના આયોજનો માટેના નિયમો અને માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં સેફ્ટીથી માંડી સામુહિક વીમા સહિતની બાબતોની શરતો જણાવી હતી.

હકીકતમાં ગુજરાતના સૌથી મોટા ગણાતા તહેવાર નવરાત્રીના આડે હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે હવે રાજકોટમાં બનેલા TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ પ્રથમ વખત યોજાનાર આ વર્ષની નવરાત્રીમાં નિયમોના કડક અમલવારીને લઈને પોલીસ સતર્ક બની ગઈ છે. રાજકોટમાં યોજાતા અર્વાચીન અને પ્રાચીન રાસોત્સવમાં પોલીસે આ વખતે નિયમોનું કડક પાલન કરાવવાની તૈયારીઓ શરૂ કરી છે. અર્વાચીન રાસોત્સવના આયોજકો માટે પોલીસ દ્વારા નવી SoP જાહેર કરવામાં આવી છે. જેમાં સાત નહીં પણ 11 કોઠા વિંધવા પડે તેવી આકરી શરતો અને નિયમો સાથેની માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે.

આ અંગે વિગતો આપતા ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈપણ અર્વાચીન રાસોત્સવના આયોજકોને લાયસન્સ આપતા પૂર્વે તમામ એસઓપીનું પાલન ફરજિયાત કરવું પડશે. કોઈ પણ નાની-મોટી ત્રુટીઓ ચલાવવામાં આવશે નહીં. ગરબા ગ્રાઉન્ડની કેપેસિટીથી લઈ સિક્યોરીટી વ્યવસ્થા, ફાયર એનઓસી અને બુકિંગ લાયસન્સ તેમજ પર્ફોમિંગ લાયસન્સ અંગે ખાસ ધ્યાન આપવામાં આવશે.

અર્વાચીન રાસોત્સવના આયોજકો દ્વારા લાયસન્સ બ્રાંચ ખાતેથી ફોર્મ આપવામાં આવશે. જે ફોર્મમાં આપેલી શરતો તમામ દસ્તાવેજો અને જરૂરી મંજૂરી સાથેના પુરાવાઓ રજૂ કર્યા બાદ જ અર્વાચીન રાસોત્સવના આયોજકોને લાયસન્સ આપવામાં આવશે. ગરબામાં આવતા ખેલૈયાઓ માટે પણ નિયમો જાહેર કરાયા છે. તમામ ખેલૈયાઓનો વીમો લેવો ફરજિયાત છે. તેમજ આયોજકો દ્વારા સિક્યોરીટીની સંપૂર્ણ માહિતી, ફાયર એનઓસી ઉપરાંત ગરબા ગ્રાઉન્ડના સ્થળે ઈમરજન્સી ડોક્ટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવી પડશે.

આ ઉપરાંત સ્ટ્રક્ચર, સ્ટ્રેબિલિટી સર્ટિફિકેટ તેમજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આપવામાં આવતા કેન્ટીનના કોન્ટ્રાક્ટમાં ફૂડ સેફ્ટી અને ફૂડ લાયસન્સનો નિયમ પણ રહેશે. આયોજકો દ્વારા જો ગરબા ગ્રાઉન્ડ ભાડે રાખવામાં આવ્યું હશે, તો ભાડે આપનારની સંપૂર્ણ માહિતી પોલીસને આપવાની રહેશે. આ ઉપરાંત આયોજન સ્થળે પાર્કિંગ વ્યવસ્થા તેમજ ફાયર અને સુરક્ષા વ્યવસ્થા તેમજ ઈમરજન્સી એક્ઝિટ સહિતની બાબતો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ બાબતોની મંજુરી સાથેના દસ્તાવેજો ચકાસ્યા બાદ જ પોલીસ દ્વારા લાયસન્સ આપવામાં આવશે.

1) બુકીંગ લાયસન્સ (ટીકીટનું)
2) પર્ફોમન્સ લાયસન્સ
3) પબ્લીક લાયેબીલીટી ઈન્સ્યોરન્સ
4) સીસીટીવી કેમેરા ફરજિયાત
5) સીક્યુરીટી એજન્સીની સંપૂર્ણ વિગત
6) ફાયર એનઓસી
7) ઈલેક્ટ્રીકલ સેફ્ટી સર્ટિફિકેટ
8) ઈમરજન્સી ડોક્ટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા
9) સ્ટ્રક્ચર સ્ટ્રેબીલીટી સર્ટીફિકેટ
10) અંદર ફૂડ સ્ટોલ હોય તો ફૂડ સેફ્ટી પ્રમાણપત્ર
11) ખાનગી ગ્રાઉન્ડ હોય તો ભાડે કરાર અને તેનું એનઓસી