Surendranagar: મેળાઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, જે આપણી પરંપરાઓ, ખાણીપીણી, રહેણીકરણી અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં યોજાતો તરણેતરનો મેળો ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જો કે આજ ભાતીગળ મેળાની ગરિમાને બદનામ કરે તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વીડિયો તરણેતરના મેળામાં મોતના કૂવા નજીક ઊંચા સ્ટેજ પર 4 થી 5 યુવતીઓ ડાન્સ કરતી જોવા મળી રહી છે. મેળો માણવા આવતા લોકોનું મનોરંજન કરવા માટે આ યુવતીઓને ખાસ ભોજપુરથી બોલાવવામાં આવી હોવાનું કહેવાય છે. વીડિયોમાં યુવતીઓ 'મુજ કો રાના જી માફ કરના' ગીત પર અશ્લિલ ઠુમકા લગાવી રહી છે. જ્યારે કેટલાક યુવકો તેમના પર રૂપિયા ઉડાવી રહ્યા છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં બાદ મેળાના આયોજન સામે સવાલ ઉઠવા લાગ્યા છે. જો કે વિવાદ વકરતાં રાજ્યના કેબિનેટ મંત્રી મુળુ બેરાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ જવાબદારો સામે જરૂરી પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું છે.
