Ambalal Patel, Gujarat Weather Forecast: છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ એકંદરે વિરામ લીધો છે. આખા દિવસ દરમિયાન લોકો ભાદરવાનો ભડકા જેવો તડકો અનુભવી રહ્યા છે. ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 25 સપ્ટેમ્બરની આસપાસ વાતાવરણમાં પલટો આવશે. જે બાદ 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ અમદાવાદના ભાગોમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં 2 થી 4 ઈંચ તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં એક દિવસમાં 8 થી 10 ઈંચ વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.
હકીકતમાં બંગાળની ખાડીમાં સ્થિર થયેલી વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહી છે. જેની અસર ગુજરાતમાં પણ વરતાઈ શકે છે. જેથી 25 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં મેઘાવી માહોલ જામશે.
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 25 અને 26 સપ્ટેમ્બરના બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ વરસી શકે છે.
