Ahmedabad: ક્ષત્રિય સંમેલનમાં પદ્મિનીબાનું અપમાન થયાનો આક્ષેપ, અર્જુનસિંહની સલાહ- 'સમાજ વિશે વાહિયાત વાતો બોલવાથી આગળ ના વધાય'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Sep 2024 07:42 PM (IST)Updated: Fri, 20 Sep 2024 07:42 PM (IST)
ahmedabad-news-padminiba-vala-create-ruckus-at-kshtriya-asmita-manch-at-rajput-bhavan

Ahmedabad: ગુજરાતના સમસ્ત ક્ષત્રિય સમાજને એકજૂટ કરવા તેમજ સમાજમાં રહેલી બદીઓને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ સ્થિત રાજપૂત ભવન ખાતે આજે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના નેજા હેઠળ મહાસંમેલન યોજાયું હતુ. જેમાં રાજ્યના 224 જેટલા નાના મોટા રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતુ.

આજના સંમેલનમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળાએ હોબાળો મચાવ્યો હતો.

હકીકતમાં ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં પદ્મિની બા વાળાને સ્ટેજ ઉપર સ્થાન નહતુ આપવામાં આવ્યુ. આ ઉપરાંત સંગઠનની રૂપરેખા આપનાર અર્જુનસિંહ ગોહિલે પણ પદ્મીની બાનું નામ નહતુ લીધુ. જેથી પદ્મિનીબાએ પોતાનું અપમાન થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં પદ્મિનીબા અર્જુનસિંહને સવાલ પૂછી રહ્યા છે કે, તમે કેમ મારું નામ નહતા બોલ્યા. અગાઉ રેલી વખતે પણ તમે મારી ગાડીની ચાવી લઈ લીધી હતી. આ સમયે કેટલાક પુરુષ અને મહિલાઓ પદ્મિનીબાને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ છતાં પદ્મિનીબા કહી રહ્યા છે કે, મારે તેમને સવાલ તો પૂછવો જ પડશે.

બીજી તરફ અર્જુનસિંહ ગોહિલે જણાવ્યું કે, પદ્મિનીબા અમારા સમાજનું અદ્દભૂત અંગ છે. દરેક સમાજમાં આવા લોકો હોય જ. આથી તેની ચર્ચા કરવી વ્યાજબી નથી. સમાજ વિશે અને સમાજના ભાઈ-બહેનો વિશે વાહિયાત વાતો કરીને મોટા થવા માટેનું આ મંચ નથી.

ક્ષત્રિય સમાજ જ્યારે એકતાની વાત કરતો હોય, ત્યારે આવા જે કોઈ પરિબળો છે, જેમને હું અસામાજિક ના કહી શકું તેઓ (પદ્મિનીબા) દીકરીબા છે. હવે તેઓ સભ્યતા ચૂક્યા છે, તો હું તેઓ સમ્માનપૂર્વક કહીશ કે, પદ્મીનીબા જેમ ફાવે તેમ બોલવાથી આગળ ના વધી શકાય. આપણા સમાજ માટે કામ કરીને આગળ વધી શકાય છે. સમાજની દરેક બહેન-દીકરી આગળ વધી શકે છે.