Junagadh: ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર હવેથી 24 કલાક વીજળીથી ઝળહળશે. હકીકતમાં અત્યાર સુધી LT લાઈનથી પર્વત પર વીજળી સપ્લાય કરવામાં આવતી હતી. જેના કારણે લો વૉલ્ટેજની સમસ્યા રહેવા સાથે જ વારંવાર વીજ પૂરવઠો ખોરવાઈ જતો હતો. આથી PGVCL દ્વારા આ સમસ્યાના સમાધાનરૂપે એક વર્ષ અગાઉ 8 કરોડના ખર્ચે એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જે પૂર્ણ થઈ ગયો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત PGVCL દ્વારા ગિરનાર ગઢ પર 400 મીટરની ઊંચાઈ પર 11 KV લાઈનની મદદથી પાવર પહોંચાડવામાં આવી રહ્યો છે. અંદાજિત 791 લાખના ખર્ચે ગિરનારની ભવનાથ તળેટીથી લઈને 400 મીટરની ઊંચાઈએ આવેલ અંબાજી માતાના મંદિર સુધીમાં અલગ-અલગ સ્થળે 6 હેવી લાઈનના ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યા છે.
ખાસ વાત એ છે કે, ગિરનાર પર્વત આસપાસ ગાઢ જંગલોથી ઘેરાયેલો હોવાથી પક્ષીઓ તેમજ વન્ય જીવોને કોઈ નુકસાન ના થાય તે માટે અન્ડરગ્રાઉન્ડ કેબલ રાખવામાં આવ્યો છે. આ સાથે જ ટ્રાન્સફોર્મરની આસપાસ પણ ફેન્સિંગ કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થતાં સરકારમાં તેનો ફાઈનલ રિપોર્ટ સબમીટ કરી દેવામાં આવ્યો છે. જેની મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં તેનું લોકાર્પણ થઈ શકે છે.
