Sasan Gir to Sattadhar route: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા મતવિસ્તારના સર્વાંગી વિકાસ માટે 30 કરોડ રૂપિયાથી વધુ રકમના વિવિધ મહત્વકાંક્ષી વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. વર્ષો જૂની અને પડતર સત્તાધાર બાયપાસ રોડની માંગણી પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકો, પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે.
વિસાવદર-સત્તાધાર બાયપાસ રોડ માટે પ્રથમ તબક્કામાં 20 કરોડ મંજૂર
વિસાવદર શહેરના ટ્રાફિકની ગંભીર સમસ્યાને દૂર કરવા માટે વિસાવદરથી સત્તાધાર અને સાસણગીર તરફ જતાં સ્ટેટ હાઇવે માટે બાયપાસ રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ બાયપાસ રોડ બગસરા અને જેતપુર સ્ટેટ હાઇવેથી શરૂ થઈ વિસાવદર, સત્તાધાર અને સાસણગીર સ્ટેટ હાઇવે સુધી જોડાઈ જશે.
આ બાયપાસ રોડના નિર્માણ માટેના પ્રથમ તબક્કાની પ્રારંભિક કામગીરી જેવી કે જમીન સંપાદન, યુટીલીટી શિફ્ટિંગ અને ડીપીઆર (DPR) તૈયાર કરવા માટે સરકારે 20 કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરી છે. આ બાયપાસ રોડ માંડાવડ સ્થિત પ્રાંત ઓફિસ પાસેથી શરૂ થઈને હનુમાનપરા પાછળથી નીકળશે. તેનાથી જૂનાગઢ, ભેસાણ, બગસરા કે માણેકવાડા તરફથી આવતા વાહનોને વિસાવદરના સાંકડા મેઈન બજારમાં જવાની જરૂર નહીં રહે અને તેઓ સીધા સત્તાધાર તરફ જઈ શકશે.
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રી સમક્ષ કરી હતી રૂબરૂ રજૂઆત
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આ વિકાસકામોની મંજૂરી બાદ રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં વિસાવદરની જનતાને અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, તેમણે પોતે ગૂગલ મેપ અને નકશાઓ દોરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ માર્ગ અને મકાન (R&B) વિભાગના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળીને સ્થિતિની ગંભીરતા સમજાવી હતી.
વિસાવદરના સરદાર ચોકથી બાબાસાહેબ આંબેડકર ચોક સુધીના સાંકડા રસ્તાઓ, રેલવે સ્ટેશન અને સત્તાધાર રોડના ખૂણા પર એસટી અને ખાનગી બસો વળતી વખતે થતી મુશ્કેલીઓ અંગે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વિગતવાર નક્શા રજૂ કરીને રજૂઆત કરી હતી. આ રજૂઆતનો ત્વરિત અને સકારાત્મક પ્રતિસાદ આપીને સરકારે બાયપાસ રોડને મંજૂરી આપી છે.
સરસઈ ખાતે સંત શ્રી રોહિદાસજી મહારાજ આશ્રમ માટે 10 કરોડ મંજૂર
આ ઉપરાંત વિસાવદર તાલુકાના સરસઈ ગામ ખાતે આવેલા સંત શ્રી રોહિદાસજી મહારાજના પ્રાગટ્ય સ્થાન અને આશ્રમના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ રકમમાંથી મંદિરનું ભવ્ય નિર્માણ, નવા રોડ-રસ્તાઓ અને વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 'સંત શ્રી રોહિદાસ ચેર' મંજૂર
વિસાવદર મતવિસ્તારમાં ખડિયા ગામ નજીક આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 'સંત શ્રી રોહિદાસ ચેર' સ્થાપવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ ચેર દ્વારા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંત રોહિદાસજીના જીવન, ઉપદેશો અને વિચારો પર સંશોધન અને અભ્યાસ કરી શકશે, જેનો મોટો સાંસ્કૃતિક લાભ સ્થાનિક લોકોને મળશે.
પૂર્વ ધારાસભ્ય હર્ષદ ભાઈ રિબડિયાએ વ્યક્ત કર્યો આભાર
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ ભાઈ રિબડિયાએ પણ બાયપાસ રોડ માટે 20 કરોડ રૂપિયા મંજૂર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક પદાધિકારીઓ અને નાગરિકોની રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપીને સરકારે વિસાવદરના વિકાસને નવી ગતિ આપી છે.
