Tesla Roadster India Booking: હજુ બે દિવસ પહેલા જ ઈલોન મસ્કની કંપની ટેસ્લાએ અમેરિકામાં આયોજિત એક ઈવેન્ટમાં Roadster નામે ઉડતી કારનો ડેમો રજૂ કર્યો હતો. જેનો વીડિયો જોઈને સૌ કોઈ ચૂંકી ઉઠ્યા હતા, ત્યારે હવે ટેસ્લાએ પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર Tesla Roadsterનું ભારતમાં બુકિંગ શરૂ કરી દીધુ છે.
જો કે કંપનીએ હજુ સુધી ભારતમાં તેની ડિલિવરી માટેની તારીખ જાહેર નથી કરી. આ કારનું પ્રોડક્શન 2028માં શરૂ થશે અને પ્રાથમિક તબક્કામાં માત્ર લેફ્ટ હેન્ડ ડ્રાઈવ મોડલ જ બનાવવામાં આવશે, ત્યારે ચાલો જાણીએ Tesla Roadsterનું ભારતમાં કેટલા રૂપિયામાં બુકિંગ કરી શકશો અને ક્યારથી ડિલિવરી શરૂ થવાની શક્યતા છે?
આ પણ વાંચો
Tesla Roadsterનું બુકિંગ ભારતમાં શરૂ થઈ ચૂક્યું છે, જેના Thrust વેરિઅન્ટને બુક કરવા માટે કુલ રૂ. 2,50,25,000 ચૂકવવા પડશે. એક વાત યાદ રાખજો કે, આ કારની કિંમત નથી, પરંતુ માત્ર તેના બુકિંગ માટેની રકમ છે. ભારતીય ગ્રાહકો માટે આ તફાવત સમજવો અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે બુકિંગ માટે ચૂકવવામાં આવેલી રકમ અને વાહનની આખરી (ફાઇનલ) કિંમત બંને અલગ-અલગ બાબતો છે. હાલમાં ટેસ્લા દ્વારા ભારતમાં Roadsterની એક્સ-શોરૂમ કિંમત ભારતીય માર્કેટ માટેના ફાઇનલ સ્પેસિફિકેશન્સ અને ડિલિવરી શિડ્યૂલ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Performance વેરિઅન્ટ માટે કેટલા પૈસા ચૂકવવા પડશે?
Tesla Roadster ના Performance વેરિઅન્ટનું બુકિંગ કરવા માટે ગ્રાહકોએ શરૂઆતમાં રૂ. 5.01 લાખ ચૂકવવા પડશે. જે બાદ આગામી 10 દિવસની અંદર રૂ. 45.05 લાખની વધારાની રકમ જમા કરાવવાની રહેશે. આ બંને રકમ સાથે Performance વેરિઅન્ટનું કુલ બુકિંગ અમાઉન્ટ રૂ. 50.06 લાખ થઈ જાય છે. માત્ર પ્રારંભિક ચૂકવણી કરવાથી બુકિંગની પ્રક્રિયા પુરી નથી થતી. આ માટે ગ્રાહકે નિર્ધારિત સમયમર્યાદાની અંદર બાકીની રકમ પણ જમા કરાવવી પડશે.
ટેસ્લાના જણાવ્યા અનુસાર, જો 10 દિવસની અંદર જરૂરી ચુકવણી પૂરી કરવામાં ન આવે, તો બુકિંગ રદ થઈ શકે છે. તેથી રસ ધરાવતા ગ્રાહકો માટે ચુકવણીની સમયમર્યાદા અને બુકિંગ સાથે જોડાયેલી શરતોને ધ્યાનથી સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કંપનીએ શરૂઆતની રૂ. 5.01 લાખના ચુકવણીને સંપૂર્ણપણે રિફંડેબલ ગણાવી છે. જો કે જ્યાં સુધી જરૂરી ચુકવણી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બુકિંગને આખરી સ્વરૂપ આપવામાં આવતું નથી. બુકિંગ માટે રૂ. 2.50 કરોડ ચૂકવવા પડશે
Tesla Roadsterનું Thrust વેરિઅન્ટ એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે, જેઓ Performance પેકેજની સાથે વધારાના એક્સિલરેશન થ્રસ્ટર્સ ઇચ્છે છે. આ વેરિઅન્ટ માટે પણ પ્રારંભિક ચુકવણી રૂ. 5.01 લાખ નક્કી કરવામાં આવી છે, પરંતુ ત્યારબાદ જમા કરાવવાની રકમ ઘણી વધારે છે.
Thrust વેરિઅન્ટ માટે ગ્રાહકોએ 10 દિવસની અંદર રૂ. 2,45,24,000ની વધારાની ચુકવણી કરવી પડશે. શરૂઆતના રૂ. 5.01 લાખને તેમાં ઉમેરતાં કુલ બુકિંગ રકમ રૂ. 2,50,25,000 થઈ જાય છે. એટલે કે આ વેરિઅન્ટને રિઝર્વ કરવા માટે લગભગ રૂ. 2.50 કરોડની રકમ જમા કરાવવી પડશે.
ઉલ્લેખનીય છે કે, આટલી મોટી રકમ કારની જાહેર કરાયેલી મૂળ કિંમત નથી. આ ટેસ્લાની ભારતીય વેબસાઇટ પર દર્શાવવામાં આવેલી બુકિંગ અમાઉન્ટ છે. કંપનીએ હજી સુધી Roadster Thrustની આખરી કિંમત કે ભારતમાં તેની ડિલિવરી સંબંધિત ચોક્કસ તારીખ જાહેર કરી નથી.
ટેસ્લાએ Thrust વેરિઅન્ટની ઉપલબ્ધતા મર્યાદિત રાખી છે. આ વિકલ્પ માટે એક ગ્રાહક માત્ર એક જ ઓર્ડર કરી શકે છે. આ ઉપરાંત કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, તેની ઉપલબ્ધતા સ્થાનિક કાયદાઓ અને નિયામક (રેગ્યુલેટરી) જરૂરિયાતો પર નિર્ભર રહેશે. એનો અર્થ એ થાય છે કે, જે માર્કેટમાં આની પરવાનગી નહીં હોય, ત્યાં Thrust વેરિઅન્ટ અથવા તેની સાથે જોડાયેલી થ્રસ્ટર ટેક્નોલોજી ઉપલબ્ધ ન પણ થઈ શકે.
2028માં પ્રોડક્શન શરૂ થશે
ભારતમાં Roadsterને રિઝર્વ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ હોવા છતાં ગ્રાહકોએ તેની ડિલિવરી માટે રાહ જોવી પડી શકે છે, કારણ કે કારનું ઉત્પાદન 2028માં શરૂ થશે. પ્રાથમિક તબક્કે કંપની માત્ર લેફ્ટ-હેન્ડ-ડ્રાઇવ (LHD) વાહનોનું જ નિર્માણ કરશે.
આ માહિતી ભારતીય ગ્રાહકો માટે ખાસ એટલા માટે છે, કારણ કે ભારતમાં વાહનો માટે રાઇટ-હેન્ડ-ડ્રાઇવ (RHD) વેરિઅન્ટ ઉપયોગી છે. કંપનીએ હજુ સુધી એ નથી જણાવ્યું કે રાઇટ-હેન્ડ-ડ્રાઇવ Roadsterનું ઉત્પાદન ક્યારે શરૂ થશે. આ ઉપરાંત ભારતમાં ગ્રાહકોને કારની ડિલિવરી કઈ તારીખથી મળવાની શરૂ થશે, તેની પણ પુષ્ટિ કરવામાં આવી નથી
