Viral Video: ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના મુખ્ય મથક રુદ્રપુરમાં પોલીસ ચેકિંગ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં શહેરના ત્રિશૂલ ચોક પાસે પોલીસ ચેકિંગથી બચવા માટે એક બાઈક સવાર યુવકે અચાનક કટ માર્યો હતો. જેમાં બાઈક પાછળ બેસેલી પત્ની રોડ પર પટકાઈ હતી. ખાસ વાત એ છે કે, પત્ની નીચે પડી હોવાની ખબર હોવા છતાં તે ઉભો ના રહ્યો અને બાઈક લઈને નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે,રુદ્રપુરના ત્રિશૂલ ચોક પાસે પોલીસ દ્વારા હેલ્મેટ પહેર્યા વિના અને નંબર પ્લેટ વિના નીકળતા વાહન ચાલકો વિરુદ્ધ સઘન ચેકિંગ ઝૂંબેશ ચલાવવામાં આવી રહ્યું હતુ. આ દરમિયાન એક બાઈક ચાલક ત્યાં આવી પહોંચ્યો હતો. જ્યારે પોલીસે તેને થોભવાનો ઈશારો કર્યો, તો ઉભા રહેવાની જગ્યાએ તેણે બાઈક ભગાવી મૂકી હતી.
આ સમયે યુવકે પોલીસની નજીકમાંથી એવો કટ માર્યો, બાઈકની પાછળ બેઠેલી તેની પત્ની સંતુલન ગુમાવી બેઠી અને તે રોડ પર નીચે પડી ગઈ હતી. આમ છતાં પતિ ઉભો નહતો રહ્યો અને બાઈક દોડાવી મૂકી હતી.
આ સમયે સ્થળ પર ઉપસ્થિત પોલીસ કર્મચારીઓએ સમયસૂચકતા દાખવીને તાત્કાલિક મહિલાને ઉભી કરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં રહેલા કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. જે બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ બાબતે રુદ્રપુર પોલીસના સર્કલ ઑફિસર વૈભવ સૈનીએ જણાવ્યું કે, ત્રિશૂલ ચોક પર નંબર પ્લેટ વિનાના વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ સમયે એક બાઈક ચાલકે ચેકિંગથી બચવા માટે સ્પીડ વધારી, ત્યારે પાછળ બેસેલી તેની પત્ની રોડ પર પટકાઈ હતી.
તેમણે વાહન ચાલકોને અપીલ કરી છે કે, રસ્તા પર વાહન હંકારતી વખતે બેદરકારી ના દાખવશો. તેમજ ચેકિંગ દરમિયાન પોલીસથી બચવા માટે અચાનક કટ મારવો અને પુરપાટ દોડાવવાનો પ્રયાસમાં અકસ્માત સર્જાઈ શકે છે. ટૂ-વ્હીલર ચલાવતી વખતે પોતાની સાથે-સાથે પાછળ બેઠેલા વ્યક્તિ તેમજ રોડ પરથી પસાર થતાં રાહદારીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ.
