Kheda: ચંલીન્દ્રા ગામની સીમમાં બંધ કારમાંથી અમદાવાદના યુવકની લાશ મળી, હત્યા કે આત્મહત્યાને લઈને તર્ક-વિતર્ક

ખેડા જિલ્લાના ચંલીન્દ્રા ગામ નજીક એક બંધ કારમાંથી અમદાવાદના યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો છે. મૃતકના કાંડાની નસ કપાયેલી હોવાથી હત્યા કે આત્મહત્યાની આશંકા સાથે પોલીસ તપાસ કરી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 18 Oct 2026 04:36 PM (IST)Updated: Sun, 18 Oct 2026 04:36 PM (IST)
kheda-news-ahmedabad-youth-found-dead-inside-car-near-chalindra-village

Kheda News: ખેડા જિલ્લાના ચંલીન્દ્રા ગામની સીમમાં નવાગામ-નાયકા રોડ પર આવેલ ONGC વેલ નજીકથી એક બંધ કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતકના ડાબા હાથના કાંડાની નસ કપાયેલી હાલતમાં મળી આવી હોવાથી આ ઘટના હત્યા છે કે આત્મહત્યા તે અંગે અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નવાગામ-નાયકા રોડ પર ONGC વેલ નજીક એક કાર શંકાસ્પદ હાલતમાં પડી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવ્યું હતું. કારની નજીક જઈને તપાસ કરતા અંદર એક યુવક લોહીલુહાણ અને બેભાન હાલતમાં પડ્યો હતો. આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જે બાદ આ બાબતે ખેડા ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી કારનો દરવાજો ખોલી તપાસ હાથ ધરતા યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતકના ખિસ્સા તેમજ કારમાંથી મળી આવેલા દસ્તાવેજોના આધારે મૃતકની ઓળખ અમિત શર્મા (32) તરીકે થઈ હતી. મૃતક યુવક મૂળ અમદાવાદના નારોલ કોર્ટ નજીક આવેલા શ્રીજી બંગ્લોઝનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના ડાબા હાથના કાંડાની નસ કપાયેલી મળી આવી હતી, જેના કારણે ભારે પ્રમાણમાં લોહી વહી જવાથી યુવકનું મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ ઘટના પાછળનું સાચું કારણ શું છે, યુવકે આત્મહત્યા કરી છે કે પછી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તેની હત્યા કરવામાં આવી છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.

ખેડા ટાઉન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતકના પરિજનોને બનાવ અંગે જાણ કરી અમદાવાદ સંપર્ક સાધ્યો છે. આ સાથે જ FSLની મદદ લઈને કારમાંથી જરૂરી ફિંગરપ્રિન્ટ્સ અને પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. યુવક અમદાવાદથી ખેડા સુધી શા માટે આવ્યો હતો અને તેની સાથે અગાઉ શું બન્યું હતું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.