Kheda News: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામમાં જાહેર પરિવહન અને મુસાફરોની સુરક્ષાને લઈને ગ્રામ પંચાયત દ્વારા તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. એક તરફ ગામમાં વર્ષોથી આવેલું જૂનું બસસ્ટેન્ડ જર્જરિત હાલતમાં હોવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, તો બીજી તરફ અમદાવાદના મણિનગરથી વરસોલા સુધી AMTS બસ સેવા શરૂ કરવાની માંગ પણ ઉઠી છે. આ બંને મુદ્દે વરસોલા ગ્રામ પંચાયતના સરપંચ મહેબૂબખાન પી. પઠાણે સંબંધિત વિભાગોને પત્ર લખીને વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગામનું બસસ્ટેન્ડ જર્જરિત અવસ્થામાં
વરસોલા ગામનું બસસ્ટેન્ડ આશરે 35થી 40 વર્ષ જૂનું હોવાનું ગ્રામ પંચાયતની રજૂઆતમાં જણાવાયું છે. લાંબા સમયથી સમારકામના અભાવે બસસ્ટેન્ડની હાલત અત્યંત જર્જરિત અને જોખમી બની છે. મહેમદાબાદથી અમદાવાદ હાઇવે પર આવેલા આ ગામમાં દિવસ-રાત વાહનોની ભારે અવરજવર રહે છે. આ બસસ્ટેન્ડનો ઉપયોગ ગામના વિદ્યાર્થીઓ, વૃદ્ધો, મહિલાઓ, બીમાર વ્યક્તિઓ તેમજ નોકરી-ધંધા માટે અવરજવર કરતા નાગરિકો કરે છે.
નવું સુરક્ષિત બસસ્ટેન્ડ બનાવવા માગણી
બસની રાહ જોતી વખતે મુસાફરોને જર્જરિત બસસ્ટેન્ડ નીચે ઊભા રહેવું પડે છે. આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય અને જાનમાલનું નુકસાન થાય તેવી આશંકા ગ્રામ પંચાયતે વ્યક્ત કરી છે. આથી બસસ્ટેન્ડની તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, જોખમી હોવાનું જણાય તો નિયમ મુજબ તેને તોડી પાડવામાં આવે અને મુસાફરો માટે આધુનિક સુવિધાઓ ધરાવતું નવું સુરક્ષિત બસસ્ટેન્ડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ માટે જરૂરી સરકારી ગ્રાન્ટ મંજૂર કરી વહેલી તકે કામગીરી શરૂ કરવા પણ રજૂઆત કરાઈ છે.
મણિનગરથી વરસોલા સુધી AMTS બસ સેવાની માંગ
બીજી તરફ વરસોલા અને આસપાસનાં ગામોના નાગરિકોને અમદાવાદ આવવા-જવા માટે જાહેર પરિવહનની પૂરતી સુવિધા મળી રહે તે હેતુથી મણિનગરથી વાયા ખાત્રજ ચોકડી થઈ વરસોલા બસસ્ટેન્ડ સુધી AMTS બસ સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે વરસોલા ગ્રામ પંચાયત દ્વારા AMTSના ડિરેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સાથે જ મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પણ AMTSના અધિકારીઓને પત્ર લખીને આ રૂટ પર બસ સેવા શરૂ કરવા ભલામણ કરી છે.
આસપાસના ગામોના નાગરિકોની મળી શકે સુવિધા
રજૂઆતમાં જણાવ્યા મુજબ વરસોલા ઉપરાંત મણિનગરથી આ રૂટ પર આવતા આસપાસનાં અનેક ગામોના નાગરિકોને પણ આ બસ સેવાનો લાભ મળી શકે છે. હાલ આ વિસ્તારના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, વેપારીઓ અને અન્ય નાગરિકોને અમદાવાદ આવવા-જવા માટે પૂરતી અને સુલભ જાહેર પરિવહન સુવિધાની જરૂરિયાત છે. AMTS બસ સેવા શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચવામાં સરળતા રહેશે, નોકરિયાત વર્ગને રોજિંદી અવરજવરમાં સુવિધા મળશે અને સામાન્ય નાગરિકોના સમય તથા મુસાફરી ખર્ચમાં પણ બચત થઈ શકે છે. મહિલાઓ, વૃદ્ધો અને અન્ય મુસાફરોને સુરક્ષિત તથા વ્યવસ્થિત પરિવહનનો વિકલ્પ મળી રહેશે.
ગ્રામજનોની સુરક્ષા અને સુવિધા માટે તંત્ર પાસે આશા
વરસોલા ગ્રામ પંચાયત દ્વારા બસસ્ટેન્ડની જર્જરિત હાલત અંગે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના મુખ્ય કાર્યાલયને પણ રજૂઆત કરવામાં આવી છે. સાથે જ AMTS બસ સેવા માટે સંબંધિત અધિકારીઓ અને ધારાસભ્ય સમક્ષ રજૂઆત પહોંચાડવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત વિભાગો આ રજૂઆતોને કેટલી ગંભીરતાથી લે છે અને વરસોલા તથા આસપાસનાં ગામોના નાગરિકોની લાંબા સમયથી અનુભવાતી પરિવહન સમસ્યાના ઉકેલ માટે ક્યારે હકારાત્મક નિર્ણય લે છે.
