Vaibhav Sooryavanshi Debut: આયર્લેન્ડ સામેની બે મેચની T20 ઇન્ટરનેશનલ સિરીઝમાં ભારતીય ટીમને 0-2 થી હારનો સામનો કરવો પડ્યો છે. આ સિરીઝ દરમિયાન 15 વર્ષીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ ન કરાવવાને લઈને ચાહકોમાં ભારે ચર્ચા છે. હવે ભારતીય ટીમના સહાયક કોચ રિયાન ટેન ડોશચાટેએ આ મામલે સાચું કારણ જણાવ્યું છે.
સહાયક કોચ રિયાન ટેન ડોશચાટે શું કહ્યું?
રિયાન ટેન ડોશચાટેએ સ્પષ્ટ કર્યું કે, વૈભવ સૂર્યવંશી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે સંપૂર્ણપણે તૈયાર છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ ટીમ મેનેજમેન્ટ અન્ય ખેલાડીઓને લાંબા સમય સુધી તક આપીને તેમનો આત્મવિશ્વાસ વધારવા માંગે છે.
સંજુ સેમસનનું ઉદાહરણ આપતા રિયાન ટેન ડોશચાટેએ કહ્યું કે, "સંજુ સેમનસ એ ખેલાડી છે, જેણે ત્રણ મહિના પહેલા આપણને વર્લ્ડ કપ જિતાડ્યો હતો. સંજુ સેમનસે IPL માં પણ સારું પ્રદર્શન કર્યું હતું. ખેલાડીઓને એવો સંદેશ મળવો જોઈએ કે તેમને લાંબા સમય સુધી તકો આપવામાં આવશે."
"વૈભવ કેટલો ઉત્તમ ખેલાડી છે તેના પર કોઈ જ સવાલ નથી." -- રિયાન ટેન ડોશચાટે (સહાયક કોચ)
આ જ કારણસર ટીમ ઈન્ડિયાએ ઓપનર તરીકે અભિષેક શર્મા અને સંજુ સેમસનની જોડીને જાળવી રાખી અને વૈભવ સૂર્યવંશીને બેન્ચ પર બેસાડ્યો. કોચે વધુમાં ઉમેર્યું કે, "અમે બધા વૈભવને રમતા જોવા માટે ઉત્સાહિત છીએ, પરંતુ તેણે અન્ય ખેલાડીઓની જેમ એક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે."
વૈભવ સૂર્યવંશીનું ધમાકેદાર પ્રદર્શન
વૈભવ સૂર્યવંશીએ આ વર્ષની IPL માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ડાબોડી બેટ્સમેને 230 થી વધુના સ્ટ્રાઈક રેટથી 776 રન બનાવીને ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન સાથે 'ઓરેન્જ કેપ' પોતાના નામે કરી હતી. આ ઉપરાંત તેને શાનદાર પ્રદર્શન માટે 'ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન'નો એવોર્ડ પણ મળ્યો હતો.
ઈંગ્લેન્ડ સામે મળી શકે છે ડેબ્યૂની તક
આયર્લેન્ડ સામે ભલે તક ન મળી હોય, પરંતુ એવી અપેક્ષા છે કે વૈભવ સૂર્યવંશીને ઈંગ્લેન્ડ સામે આગામી પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જો તેને આ તક મળશે તો 15 વર્ષનો આ યુવા ખેલાડી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમનાર સૌથી યુવા ખેલાડી બની જશે.
