VIDEO: વૈભવ સૂર્યવંશીએ ખોલ્યું ઐતિહાસિક બેવડી સદીનું રહસ્ય, મેચ પહેલાં 4 લોકો સાથે વાત કરતા મળ્યો 'ગુરુમંત્ર'

વૈભવ સૂર્યવંશીએ UAE સામેની મેચમાં માત્ર 53 બોલમાં 204 રનની ઈનિંગ, જેમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 24 Nov 2026 10:51 PM (IST)Updated: Tue, 24 Nov 2026 10:51 PM (IST)
vaibhav-sooryavanshi-double-century-secret-talked-to-four-people-before-match

Vaibhav Sooryavanshi Double Century: ભારતીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ UAE સામેની મેચમાં માત્ર 53 બોલમાં 204 રનની ઐતિહાસિક ઈનિંગ રમીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. 28 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી તેણે લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

હવે, વૈભવ સૂર્યવંશીએ ખુલાસો કર્યો છે કે આ ઐતિહાસિક ઈનિંગ પહેલાં તેણે 4 લોકો સાથે વાત કરી હતી. તેમાં તેના પિતા, બાળપણના કોચ મનીષ ઓઝા અને અંડર-19 માં સાથે રમેલા મિત્ર પ્રથમનો સમાવેશ થાય છે. ચોથા વ્યક્તિ વિશેની માહિતી સંપૂર્ણ ઈન્ટરવ્યૂ સામે આવ્યા બાદ જ જાણવા મળશે.

મેચ પહેલા વૈભવે કોની સાથે કરી હતી વાત?

UAE સામની મેચમાં રેકોર્ડબ્રેક બેવડી સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીએ પોતાની સફળતા પાછળની તૈયારી અંગે વાત કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર વૈભવનો એક વીડિયો શેર કરાયો છે. વૈભવનો આ ઈન્ટરવ્યૂ સવારે 9 વાગ્યે પ્રસારિત થવાનો છે. જોકે, BCCI ઈન્ટરવ્યૂનો એક નાનો ભાગ શેર થયો છે.

આ ક્લિપમાં વૈભવે મેચ પહેલા વાત કરેલા 4 લોકો અંગે ખુલાસો કર્યો હતો. વૈભવે જણાવ્યું હતું કે તેણે સૌથી પહેલાં પોતાના પિતા સાથે વાત કરી હતી. ત્યારબાદ બાળપણના કોચ મનીષ ઓઝા સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેણે પોતાના મિત્ર પ્રથમ સાથે પણ વાત કરી હતી, જે તેની સાથે અંડર-19 ક્રિકેટમાં રમતો હતો. જોકે, વૈભવે ચોથા વ્યક્તિનું નામ જણાવ્યું છે કે નહીં તે સંપૂર્ણ ઈન્ટરવ્યૂ સામે આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

પ્રથમ 2 મેચમાં નિષ્ફળતા બાદ શાનદાર ઈનિંગ

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટની શરૂઆતની 2 મેચમાં વૈભવ સૂર્યવંશી સારો સ્કોર કરવામાં અસફળ રહ્યો. નેપાળ અને ત્યારબાદ પાકિસ્તાન સામે પણ મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. પરંતુ UAE સામેની મેચમાં વૈભવે તમામ નિષ્ફળતાનો જવાબ બેટિંગથી આપ્યો હતો. વૈભવે શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો અને રેકોર્ડબ્રેક બેવડી સદી ફટકારી દીધી.

53 બોલમાં 204 રન, 28 છગ્ગાથી મચાવી તબાહી

UAE ટીમે પહેલા બેટિંગ કરીને ભારત-A સામે 249 રનનો સ્કોર બનાવ્યો હતો. 250 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી વૈભવે પહેલા જ ઓવરથી આક્રમક બેટિંગ શરૂ કરી દીધી હતી. તેણે શરૂઆતની ઓવરમાં જ સતત 3 છગ્ગા ફટકારીને UAEના બોલરો પર દબાણ વધારી દીધું હતું.

ત્યારબાદ માત્ર 16 બોલમાં ફિફ્ટી અને 28 બોલમાં સદી પૂરી કરી હતી. વૈભવે 52 બોલમાં બેવડી સદી પૂરી કરીને લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરીનો રેકોર્ડ બનાવ્યો હતો. તે 53 બોલમાં 204 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 28 છગ્ગાનો સમાવેશ થયો હતો.

ભારત A ટીમે માત્ર 14.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો

વૈભવની તોફાની બેટિંગના કારણે ભારત-A ટીમે 250 રનનો લક્ષ્યાંક માત્ર 14.2 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. 50 ઓવરની મેચમાં ભારતે માત્ર 14.2 ઓવરમાં 7 વિકેટે જીત મેળવી હતી. વૈભવની આ ઈનિંગે માત્ર લિસ્ટ-A ક્રિકેટના રેકોર્ડ જ તોડ્યા નહોતા, પરંતુ તેની આક્રમક બેટિંગે ક્રિકેટ જગતમાં નવી ચર્ચા જગાવી છે. 15 વર્ષની ઉંમરે આવી ઐતિહાસિક ઈનિંગ રમીને તેણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.