Shreyas Iyer Captain: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા એ સામે રમાનારી ચાર દિવસીય મેચોની સીરિઝ માટે ભારત-એ ટીમની જાહેરાત કરી દીધી છે. અજીત અગરકરની અધ્યક્ષતાવાળી સિનિયર સિલેક્શન કમિટીએ શ્રેયસ ઐયરને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણય એશિયા કપ 2025 માટે ઐયરની પસંદગી ન થયા બાદ સિલેક્શન કમિટીની ટીકા થઈ હતી.
શ્રેયસ અય્યરને મળી જવાબદારી
અહેવાલો અનુસાર BCCI હવે વન ડે ટીમના આગામી કેપ્ટન તરીકે શ્રેયસને તૈયાર કરવા માંગે છે. ટીમમાં વિકેટકીપર ધ્રુવ જુરેલને ઉપ-કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ઇંગ્લેન્ડ પ્રવાસે ટીમ ઇન્ડિયાનો ભાગ રહેલા નીતીશ કુમાર રેડ્ડી અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) September 6, 2025
India A squad for two multi-day matches against Australia A announced.
Details 🔽 #TeamIndiahttps://t.co/PJI6lWxeEQ pic.twitter.com/2gqZogQKnN
લખનઉમાં રમાશે મેચ
આ સીરિઝમાં બે ચાર દિવસીય મેચો લખનઉમાં રમાશે. પહેલી મેચ 16 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન રમાશે, જ્યારે બીજી મેચ 23 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી યોજાશે. આ ચાર દિવસીય મેચો બાદ ત્રણ વન-ડે મેચોની શ્રેણી પણ રમાશે, જેના માટે ટીમની જાહેરાત હજુ બાકી છે. વન-ડે મેચો 30 સપ્ટેમ્બર, 3 ઓક્ટોબર અને 5 ઓક્ટોબરે રમાશે.
કયા ખેલાડીઓને મળ્યું સ્થાન
ટીમ ઇન્ડિયાના વરિષ્ઠ બેટ્સમેન કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજ પણ ઇન્ડિયા-એ ટીમ સાથે જોડાશે. જોકે, આ બંને ખેલાડીઓ પહેલી મેચમાં નહીં રમે અને બીજી મેચથી ટીમ સાથે જોડાશે. અન્ય ખેલાડીઓમાં અભિમન્યુ ઈશ્વરન, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, હર્ષ દુબે, આયુષ બડોની, તનુષ કોટિયાન, અને યશ ઠાકુરનો સમાવેશ થાય છે.