IPL 2026: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની સિઝન માટે બાંગ્લાદેશના ફાસ્ટ બૉલર મુસ્તફિઝુર રહેમાનને પોતાની ટીમમાંથી પડતો મૂક્યો છે. KKR ફ્રેન્ચાઈઝી દ્વારા આ નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ હોર્ડ (BCCI)ના આદેશ બાદ લેવામાં આવ્યો છે.
આ અંગે મુસ્તફિઝુર રહેમાને BDcrictime સાથે વાત કરતાં જણાવ્યું કે, જો કોઈ તમને ટીમમાંથી કાઢી મૂકે, તો પછી તમે શું કરી શકો. આ ફાસ્ટ બોલરને KKR ફ્રેન્ચાઈઝીએ ડિસેમ્બર-2025માં જ IPL-2026ના મિની ઑક્શનમાં 9.20 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો.
જો કે હાલમાં બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારના કારણે કેટલીક રાજકીય પાર્ટી અને ધાર્મિક સંગઠનોએ બાંગ્લાદેશી મુસ્તફિઝુર રહેમાનને KKR ટીમ વતી રમાડવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
ભાજપ નેતા દ્વારા IPLની મેચમાં બાંગ્લાદેશી ખેલાડીઓને રમાડવા અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આટલું જ નહીં, KKR ફ્રેન્ચાઈઝીના ઑનર શાહરુખ ખાનને ગદ્દાર પણ કહેવામાં આવ્યા હતા. આખરે BCCI દ્વારા વિવાદ વણસે તે પહેલા હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, હાલમાં બાંગ્લાદેશમાં જે પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે, તેને જોતા BCCIએ KKR ફ્રેન્ચાઈઝીને આદેશ આપ્યો છે કે, તેઓ પોતાના એક બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને પોતાની ટીમમાંથી રિલીઝ કરી દે.
વધુમાં સૈકિયાએ બોર્ડનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, આ પગલું તકેદારીના ભાગરૂપે લેવામાં આવ્યું છે. જો KKR ફ્રેન્ચાઈઝી અન્ય કોઈ ખેલાડીના રિપ્લેશમેન્ટની માંગ કરશે, તો અમે મંજૂરી આપીશું.
બીજી તરફ KKR ફ્રેન્ચાઈઝીએ પણ પુષ્ટિ કરતાં સત્તાવાર નિવેદન આપી જણાવ્યું કે, IPLની રેગુલેટર BCCIના આદેશ બાદ આગામી IPL સિઝન પૂર્વે બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો ક્રિકેટના દ્રષ્ટિકોણથી જોઈએ તો, મુસ્તફિઝુરના જવાથી KKRની વિદેશી બોલિંગની ધાર બુઠ્ઠી થઈ ગઈ છે. લિમિટેડ ઑવર્સના ફોર્મેટમાં પોતાની ઘાતક બોલિંગ અને શાનદાર વેરિએશન થકી આ ફાસ્ટ બોલર મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ હતો.
