Asia Cup 2025: એશિયા કપ માટે ભારતીય ટીમ દુબઈ ખાતે પહોંચી, ટીમે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો

આ ટુર્નામેન્ટ અત્યાર સુધીમાં 16 વખત રમાઈ છે. ભારતે સૌથી વધુ એટલે કે 8 વખત જીત મેળવી છે. જ્યારે શ્રીલંકાએ આ ટુર્નામેન્ટ 6 વખત અને પાકિસ્તાને 2 વખત જીતી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 06 Sep 2025 09:43 AM (IST)Updated: Sat 06 Sep 2025 09:46 AM (IST)
indian-team-reaches-dubai-for-asia-cup-2025-598289

Asia Cup T20, 2025: ભારતીય ટીમ એશિયા કપ T20 માટે દુબઈ પહોંચી ગઈ છે. શુક્રવારે ટીમે દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર શુભમન ગિલ, હાર્દિક પંડ્યા અને હેડ કોચ ગૌતમ ગંભીર વાત કરતા જોવા મળ્યા હતા.

પ્રથમ મેચ UAE સામે રમશે

એશિયા કપ T20 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારત 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાની પ્રથમ મેચ રમશે. અને 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને 19 સપ્ટેમ્બરે ઓમાન સામે રમશે. ભારતને એશિયા કપ 2025નું યજમાનપદ મળ્યું છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખરાબ સંબંધોને કારણે તે તટસ્થ સ્થળે રમાશે.

ગ્રૂપ-એમાં ભારત અને પાકિસ્તાન

ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈને એક જ ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગ ગ્રુપ-બીમાં છે. ગ્રુપની બધી ટીમો એકબીજા સામે 1-1 મેચ રમશે. જો ભારત અને પાકિસ્તાન સુપર-4 સ્ટેજમાં સ્થાન મેળવે છે, તો બંને ટીમો 21 સપ્ટેમ્બરે ફરી એકવાર એકબીજા સામે ટકરાશે.

ભારતે 8 વખત ટાઇટલ જીત્યું

ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. જો ભારત અને પાકિસ્તાન સુપર-4 સ્ટેજમાં ટોચ પર રહે છે, તો ટુર્નામેન્ટમાં બંને વચ્ચે ત્રીજી મેચ પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 1984 માં શરૂ થયો હતો. આ ટુર્નામેન્ટ અત્યાર સુધીમાં 16 વખત રમાઈ છે. ભારતે સૌથી વધુ એટલે કે 8 વખત જીત મેળવી છે. જ્યારે શ્રીલંકાએ આ ટુર્નામેન્ટ 6 વખત અને પાકિસ્તાને 2 વખત જીતી છે.