IND vs PAK U19 Asia Cup 2026 Final: ટીમ ઈન્ડિયાએ અંડર 19 એશિયા કપ 2026ની ફાઈનલ મેચમાં રોમાંચક જીત મેળવી છે. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતાં પાકિસ્તાનની ટીમને એક વિકેટે હરાવીને 9મી વખત એશિયા કપનું ખિતાબ પોતાને નામ કર્યો છે.
આજની મેચમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતાં આધારભૂત બેટ્સમેન ઉસ્માન ખાન (107)ની સદી ઉપરાંત અબ્દુલ કાદિર (80) અને કપ્તાન ફરહાન યુસુપ (63)ની અડધી સદીઓની મદદથી 9 વિકેટ ગુમાવીને 337 રનનો તોતિંગ સ્કોર ખડકી દીધો હતો. જો કે ટીમ ઈન્ડિયા 9 વિકેટ ગુમાવીને છેલ્લા બોલ પર વિજયી લક્ષ્યાંક હાંસલ કરીને જીત મેળવી છે.
આજની મેચમાં ભારતના કાવ્ય પટેલે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ચિગુરુપતિ વેંકટને પણ 3 વિકેટ મળી હતી. પાકિસ્તાન તરફથી મળેલા 338 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે કપ્તાન લક્ષ્ય રાયચંદાની (80), આર્યવીર સહવાગ (58), મનલ ચૌહાણ (47) અને મોહિત ઉલ્વા (49)ની ઉપયોગી ઈનિંગની મદદથી છેલ્લા બોલે વિજય મેળવ્યો હતો.
પાકિસ્તાનના ઉસ્માનની સદી, કાદિર-યુસુફની અડધી સદી
આજની મેચમાં પાકિસ્તાની આધારભૂત બેટ્સમેન ઉસ્માને શાનદાર બેટિંગ કરતાં 106 બોલમાં સદી ફટકારી હતી, જે આ ટૂર્નામેન્ટમાં તેની બીજી સદી છે. ઉસ્માન 111 બોલમાં 11 ફૉર અને 3 સિક્સની મદદથી 107 રન બનાવીને આઉટ થયો હતો. અગાઉ ઉસ્માને UAE વિરુદ્ધ 6 નવેમ્બરે રમાયેલી મેચમાં 139 રનની અણનમ ઈનિંગ રમી હતી.
ઉસ્માન ઉપરાંત પાકિસ્તાનના કાદિર અને યુસુફે પણ ઉમદા બેટિંગ કરીને અડધી સદી ફટકારી પોતાની ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. જે પૈકી કાદિરે તાબડતોડ બેટિંગ કરીને માત્ર 54 બોલમાં 3 ફૉર અને 8 સિક્રની મદદથી 80 રન ખડકી દીધા હતા. જ્યારે યુસુફે 60 બોલમાં 4 ફોર અને 3 સિક્સની મદદથી 63 રન બનાવ્યા હતા.
ટૂર્નામેન્ટમાં રાયચંદાનીની ત્રીજી તો સહેવાગના પુત્રની ચોથી અડધી સદી
ભારત માટે કપ્તાન રાયચંદાનીએ શાનદાર બેટિંગ કરીને 101 બોલમાં 5 ફોરની મદદથી 80 રન બનાવ્યા હતા. જે આ સમગ્ર ટૂર્નામેન્ટમાં તેની ત્રીજી અડધી સદી છે. અગાઉ લક્ષ્યએ નેપાળ વિરુદ્ધ 53 અને અફઘાનિસ્તાન સામે સેમી ફાઈનલમાં 93 રન ફટકાર્યા હતા. આ સાથે જ લક્ષ્ય રાયચંદાનીની યૂથ વનડે કરિયરમાં આ ચોથી અડધી સદી છે. આ સિવાય લક્ષ્ય પોતાની કરિયરમાં 3 સદી પણ ફટકારી ચૂક્યો છે.
આ સિવાય ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ફોટક ઑપનર વિરેન્દ્ર સહેવાહના પુત્ર આર્યવીરે પણ 61 બોલમાં 9 બોલની મદદથી 58 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતુ. આ ટૂર્નામેન્ટમાં આર્યવીરની આ ચોથી અડધી સદી છે. અગાઉ આર્યવીરે નેપાળ સામે 70, યુએઈ સામે 160 (સદી) અને અફઘાનિસ્તાન સામે સેમીફાઈનલમાં 51 રન બનાવીને પોતાની ટીમને ફાઈલનમાં પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
મનલ ચૌહાણ અને મોહિત ઉલ્વા મેચના હીરો રહ્યા
ભારતીય ટીમ 252 રનના સ્કોરે 8 વિકોટ ગુમાવી ચૂકી હતી, જે બાદ ક્રીઝ પર આવેલા મોહિત ઉલ્વા અને મનલ ચૌહાણે 9મી વિકેટ માટે 35 બોલમાં 57 રનની ઉપયોગી પાર્ટનરશિપ કરી હતી. જો કે 48મી ઓવરમાં મનલ ચૌહાણ 47 રન બનાવીને આઉટ થઈ ગયા બાદ મોહિત ઉલ્વાએ એક છેડો સાચવીને રાખ્યો હતો. મોહિતે અંતિમ વિકેટ માટે વેંકટ સાથે મળીને 16 બોલમાં 30 રનની ઈનિંગ રમી અને તેમાં પણ છેલ્લા બૉલે ફોર ફટકારીને ટીમ ઈન્ડિયાને 1 વિકેટે રોમાંચક જીત અપાવી હતી.
