Surat: કર્ણાટક ફરવા ગયેલા અનાવિલ પરિવારની બોટ પલટી, લાઈફ જેકેટ પહેરવા છતાં સંતાનોની નજર સામે દંપતીનું ડૂબી જવાથી મોત

સુરતના જાણીતા આર્કિટેક્ટ ધર્મેશ દેસાઈ અને તેમના શિક્ષિકા પત્ની નિમ્મીબેનનું કર્ણાટકના કુશલનગર નજીક હરંગી બેકવોટર્સમાં બોટ પલટી જતાં ડૂબી જવાથી મોત થયું છે. દિવાળી વેકેશનમાં પરિવાર સાથે ફરવા ગયેલા દંપતી લાઈફ જેકેટ પહેર્યા હોવા છતાં બોટ નીચે ફસાઈ જતાં જીવ ગુમાવ્યો, જ્યારે તેમના બાળકોનો ચમત્કારિક બચાવ થયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 14 Nov 2026 06:20 PM (IST)Updated: Sat, 14 Nov 2026 06:20 PM (IST)
surat-couple-drowns-in-karnataka-harangi-backwaters-boat-capsize-incident

Surat: વેકેશનની મજા માણવા કર્ણાટકના પ્રવાસે ગયેલા સુરતના એક પરિવાર માટે ખુશીઓથી ભરેલી સફર માતમમાં ફેરવાઈ ગઈ છે. જેમાં કર્ણાટકના કુશલનગર નજીક આવેલા હરંગી બેકવોટર્સમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જતાં સુરતના જાણીતા આર્કિટેક્ટ અને અનાવિલ સમાજના અગ્રણી અને તેમના શિક્ષિકા પત્નીનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે, જ્યારે દંપતીના બન્ને બાળકોનો ચમત્કારિક બચાવ થયો છે.

ટર્ન લેતી વખતે બોટ ગુલાંટ ખાઈ જતાં તેમાં સવાર પરિવાર પાણીમાં ખાબક્યો 

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અડાજણ વિસ્તારની ગ્રીન સિટીમાં રહેતા ધર્મેશ દેસાઈ (50) અને તેમના પત્ની નિમ્મીબેન (48) પોતાના પુત્ર અને પુત્રી સાથે દિવાળીનું વેકેશન માણવા માટે કર્ણાટકના કોડાગુ ગયા હતા. દેસાઈ પરિવાર કુશલનગર નજીક હરંગી બેકવોટર્સ ખાતે એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ દ્વારા સંચાલિત બોટમાં બોટિંગની મજા માણી રહ્યો હતો. આ દરમિયાન વળાંક લેતી વખતે બોટ ચાલકે કાબુ ગુમાવી દેતા બોટ ઊંડા પાણીમાં પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે બોટમાં સવારે દેસાઈ પરિવાર પાણીમાં ખાબક્યો હતો.

ઊંધી વળી ગયેલી બોટ નીચે ફસાઈ જતાં દંપતી ડૂબ્યું

બોટ પલટી જતાં વોટર સ્પોર્ટસના કર્મચારી અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જેમણે પાણીમાં ડૂબી રહેલા બન્ને બાળકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા. જો કે ધર્મેશભાઈ અને નિમ્મીબેન ઊંધી વળી ગયેલી બોટની નીચે ફસાઈ ગયા હતા. દંપતીએ લાઈફ જેકેટ પહેર્યા હોવા છતાં બોટના નીચેના ભાગમાં ફસાઈ જવાના કારણે તેઓ બહાર નહતી નીકળી શક્યા અને આખરે ડૂબી જવાથી બન્ને મોતને ભેટ્યા હતા.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં કુશલનગર ગ્રામ્ય પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. જ્યાં સંયુક્ત ઑપરેશન હાથ ધરીને ભારે જહેમતે દંપતીના મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે કુશલનગર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડ્યા હતા. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ધર્મેશભાઈ દેસાઈ માત્ર જાણીતા આર્કિટેક્ટ જ નહીં, પરંતુ સામાજિક કાર્યોમાં પણ હંમેશાં અગ્રેસર રહેતા હતા. અનાવિલ સમાજમાં તેઓ આગવું સ્થાન ધરાવતા હતા. ખાસ કરીને દયાળજી અનાવિલ કેળવણી મંડળ, સુરતના ગ્રાઉન્ડ અને સેકન્ડ ફ્લોર તેમજ કડોદરા સ્થિત મગનવાડીના એસી હોલના રિનોવેશનમાં તેમનો અમૂલ્ય સહયોગ રહ્યો હતો.

સેવાભાવી અને સામાજિક કાર્યોમાં સતત યોગદાન આપતા ધર્મેશભાઈ અને તેમનાં પત્ની નિમ્મીબેનના અચાનક અવસાનના સમાચારથી અનાવિલ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. વેકેશનની યાદગાર સફર જીવનભરનો અસહ્ય આઘાત બની રહેશે અને બે સંતાનોએ એકસાથે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.