મોંઘવારીનો વધુ એક માર: અમૂલે દૂધ બાદ હવે દહીંમાં રૂ.5 અને લસ્સીમાં રૂ. 2નો ભાવવધારો ઝીંક્યો, આજથી જ નવા દર અમલી

અમૂલે દૂધ બાદ હવે દહી અને લસ્સીના ભાવ પણ કોઈપણ પ્રકારની પૂર્વ જાહેરાત વિના છાનામાના વધારી દીધા છે, જે આજથી જ અમલી પણ થઈ ગયા છે. જેમાં એક કિલો દહી પર 5 રૂપિયા અને લસ્સી પર 2 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 14 Nov 2026 05:50 PM (IST)Updated: Sat, 14 Nov 2026 05:50 PM (IST)
amul-price-hike-after-milk-amul-increases-curd-price-by-rs-5-per-kg-and-lassi-by-rs-2-new-rates-effective-today

Amul Price Hike: દિવાળીના તહેવારોમાં જ જાણીતી દૂધ ઉત્પાદક કંપની ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા જનતાને મોંઘવારીના એક પછી એક ડામ આપવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ અમૂલ દૂધના ભાવમાં 2 થી 4 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. જે બાદ હવે દહી અને લસ્સીના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. જેના ભાવ આજથી અમલી પણ થઈ ગયા છે.

એક કિલો દહીએ 5 તો રોઝ લસ્સીમાં 2 રૂપિયાનો વધારો Amul Price Hike

ભાવ વધારા બાદ પહેલા 80 રૂપિયામાં મળતા અમૂલના 1 કિગ્રા દહીમાં સીધો 5 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. જેથી લોકોને 1 કિલો અમૂલ દહી માટે 85 રૂપિયા ચૂકવવા પડશે. આવી જ રીતે 1 કિગ્રા દહીની બકેટ જે પહેલા 115માં મળતી હતી, તેના માટે હવે 120 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય 380 ગ્રામ દહીંની થેલીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આથી જે થેલી 35 રૂપિયામાં મળતી હતી, તેના માટે હવે 37 રૂપિયા ચૂકવવા પડશે.

અગાઉ દૂધ બાદ આજથી દહીની સાથે-સાથે અમૂલ રોઝ લસ્સીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમૂલ રોઝ લસ્સી જે 15 રૂપિયામાં મળતી હતી, તેમાં 2 રૂપિયા વધારીને 17 કરી દેવામાં આવ્યા છે.

અમૂલ દૂધના ભાવમાં 2 થી 4 રૂપિયાનો વધારો કરાયો હતો Amul Curd Price Hike

હજુ બે દિવસ પહેલા જ અમૂલ દ્વારા દૂધના ભાવમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 તેમજ તાજાના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ નવા ભાવ 12 નવેમ્બરથી જ અમલી થઈ ચૂક્યા છે. હાલ અમૂલ ગોલ્ડના અડધા લીટર દૂધની થેલીના 35ને બદલે 37 રૂપિયા તેમજ તાજાની અડધા લીટરની થેલી માટે 29ની જગ્યાએ 30 રૂપિયા ચૂકવવા પડે છે.

દૂધ-દહીના ભાવ વધારા પાછળ કંપનીએ ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ઓછા અને અનિયમિત વરસાદનું કારણ જણાવ્યું છે. અપૂરતા વરસાદના કારણે દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવ મળી રહે તેમ માટે ભાવ વધારો કરવો જરૂરી હોવાનું જણાવાયું છે. ખાસ વાત એ છે કે, કંપની દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત વિના ગુપચુપ રીતે આજથી જ દહી અને લસ્સીનો ભાવ વધારો અમલી કરી દીધો છે.