Vav Tharad: વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના નાના કપરા ગામે આગામી ફેબ્રુઆરી માસમાં ગુજરાતના સૌ પ્રથમ મીની મહાકુંભનું (Mini Maha Kumbh Gujarat) ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને આજે લાભપાંચમથી પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
11 થી 17 ફેબ્રુઆરી સુધી 7 દિવસનો ભવ્ય ધાર્મિક મહોત્સવ | Gujarat First Mini Maha Kumbh
હકીકતમાં નાના કપરા સ્થિત શ્રી લાખુ જહુ ધામ ખાતે આગામી 11 થી 17 ફેબ્રુઆરી દરમિયાન 'ગુજરાતનો મીની મહાકુંભ' અને 'સનાતન પર્વ 2027'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રઘુનાથપુરી મઠના પીઠાધિશ્વર મહામંડલેશ્વર સ્વામી કુરશીપુરી મહારાજના સાનિધ્યામાં આયોજિત આ 7 દિવસના ધાર્મિક મહોત્સવમાં હરિદ્વારાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરીજી શ્રીમદ ભાગવદ કથાનું રસપાન કરશે.
આ અંગે વિગતો આપતા કુરશીપુરી મહારાજે જણાવ્યું કે, વાવ-થરાદ જિલ્લામાં આવનારા દિવસોમાં મિની મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખો લોકો ભાગવત સપ્તાહનો મહોત્સવ માણવાના હોય, પવિત્ર સ્નાનનો લ્હાવો લેવાના હોય તે તમામ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
માનવ સર્જિત નદીમાં ચાર કુંભનું પવિત્ર જળ લાવી સ્નાન કરાશે
અમારા નિરંજની અખાડાના પીઠાધીશો અને મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરી મહારાજ ઉપરાંત તેર અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્રપુરી મહારાજ, અવધેશાનંદગિરી, રામભદ્રાચાર્ય સહિત અનેક સંતો-મહંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. આ સિવાય ધીરેન્દ્ર શાસ્ત્રી પણ આવી શકે છે. એવો કોઈ સંત નહીં હોય, જે આ ભવ્ય કાર્યક્રમમાં હાજર નહીં હોય.
જ્યારે રબારી સમાજના અગ્રણી ઠાકરસી રબારીએ જણાવ્યું કે, વાવ-થરાદમાં પ્રથમવાર માનવ સર્જિત નદી બનાવીને મીની મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મની સંસ્કૃતિની પરંપરાઓ સચવાય અને સંતો-મહંતો અને સનાતનને માનવાવાળા તમામ સમાજો આ માનવ સર્જિત નદીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવશે.
આ નવા વર્ષમાં કુંભ મેળામાં પવિત્ર થઈ, સંતો-મહંતોના આશીર્વાદ મેળવી તેમજ લાખુ જહુધામના દર્શન કરીને ધન્યતા અનુભવી સનાતન ધર્મની સંસ્કૃતિનું સિંચન થાય, સંસ્કારોનું સિંચન થાય તે માટેનો આ મહા મીની કુંભ છે.
