Surat: સુરત શહેરના ઉન પાટિયા ખાતે વેસ્ટેજ કપડાંના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ખુલ્લા પ્લોટમાં આવેલા ગોડાઉનમાં વેસ્ટેજ કપડાંનો જથ્થો રાખવામાં આવ્યો હતો. કોઈ કારણસર અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
સુરતના ઉન પાટિયા વિસ્તારમાં વેસ્ટેજ કપડાના ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠતાં દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.
ફાયર વિભાગની 8 ગાડીઓ સ્થળ પર દોડી આવી
આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
ફાયર વિભાગની ટીમોની ભારે જહેમત બાદ આગના મોટા ભાગના હિસ્સા પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ત્યાં રહેલો કાપડનો કેટલોક જથ્થો આગની ઝપેટમાં આવી જતા બળી ગયો હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.
