કર્ણાટક: હરંગી બેકવોટર્સમાં હોડી પલટી જતાં સુરતના દંપતીનું મોત, બોટ ચાલક સામે ગુનો દાખલ

મૃતક દંપતી સુરતના રહેવાસી હતા, જેમની ઓળખ 50 વર્ષીય ધર્મેશ અને 48 વર્ષીય નિમ્મી તરીકે થઈ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 14 Nov 2026 03:51 PM (IST)Updated: Sat, 14 Nov 2026 03:51 PM (IST)
karnataka-harangi-backwaters-boat-accident-surat-couple-death

Karnataka Boat Accident: કર્નાટકના કોડાગુ જિલ્લામાં આવેલા હરંગીબેકવોટર્સમાં એક બોટ પલટી જવાની ગંભીર દુર્ઘટના સામે આવી છે. ગુજરાતના સુરતથી પરિવાર સાથે રજાઓ માણવા આવેલા દંપતીનું આ અકસ્માતમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. હોડી પલટાઈ ગયા બાદ પરિવારના બંને બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે.

ગંભીર દુર્ઘટનામાં સુરતનો પરિવાર વિખેરાયો

આ દુર્ઘટનામાં મોતને ભેટનાર દંપતી ગુજરાતના સુરત શહેરના રહેવાસી હતા, જેમની ઓળખ 50 વર્ષીય ધર્મેશ અને તેમના 48 વર્ષીય પત્ની નિમ્મી તરીકે થઈ છે. કર્ણાટકમાં રજાઓ ગાળવા આવેલો પરિવાર શુક્રવારે ફરવા નીકળ્યો, પરંતુ બોટિંગ દરમિયાન અકસ્માત થતાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ અકસ્માતમાં બચાવાયેલા તેમના 2 બાળકોમાં 21 વર્ષનો પુત્ર અને 24 વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે.'

સુરક્ષા સાધનો છતાં કેવી રીતે સર્જાયો અકસ્માત?

પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે આ પરિવાર વિસ્તારમાં એક ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતી વોટર એડવેન્ચર પ્રવૃત્તિ હેઠળ બોટિંગ કરવા ગયો હતો. બોટિંગ કરતી વખતે પરિવારના તમામ 4 સભ્યોએ લાઈફ જેકેટ પહેરેલા હતા. હોડી પલટી જતાં દંપતી સંભવતઃ હોડીની નીચે ફસાઈ ગયા અને ડૂબી જવાને કારણે તેમનું મોત થયું હતું.

બોટ ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

આ બનાવમાં પરિવારના બે બાળકો પાણીમાં ફેંકાઈ ગયા, જેમને ઉગારી લેવાયા હતા. આ ઘટના અંગે કુશલનગર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં બોટ ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 (લાપરવાહીથી મોત નીપજાવવું) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા આ અકસ્માત અંગે આગળની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.