Asia Cup 2025 Trophy, Mohsin Naqvi: પાકિસ્તાનના ગૃહમંત્રી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવી એશિયા કપ 2025ની ફાઇનલ મેચ બાદ ટ્રોફી લઈને હોટલ જતા રહ્યા પછી સતત ચર્ચામાં રહ્યા છે. રવિવારે ફાઇનલમાં પાકિસ્તાન પર ભારતની જીત બાદ ભારતીય ટીમે નકવીના હાથે ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે નકવી ટ્રોફી પોતાની સાથે લઈ ગયા હતા. હવે એક અહેવાલ મુજબ તેઓ ટ્રોફી ભારતને પરત કરવા માટે તૈયાર છે, પરંતુ આ માટે તેમણે એક શરત મૂકી છે.
આ શરત પર ટ્રોફી આપવા તૈયાર છે મોહસિન નકવી
આ પણ વાંચો
ક્રિકબઝના એક અહેવાલ મુજબ PCB અધ્યક્ષ મોહસિન નકવીએ ભારતીય ટીમને ટ્રોફી અને મેડલ પરત કરવા માટે એક શરત રાખી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નકવીએ આયોજકોને જણાવ્યું છે કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તેમની ટીમને મેડલ અને ટ્રોફી ત્યારે જ મળશે, જ્યારે એક ઔપચારિક સમારોહનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં પોતાના હાથે ભારતીય ટીમને ટ્રોફી અને મેડલ આપવાની જવાબદારી સોંપવામાં આવે.
જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ રાજકીય સંબંધોને ધ્યાનમાં લેતા આવી કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.
ટ્રોફી પરત મેળવવા ભારતના પ્રયાસો
આ ઘટના પછી BCCIના એક પદાધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે જો નકવીએ બળજબરીથી ટ્રોફી આપવાનો પ્રયાસ કર્યો હોત તો ભારત દ્વારા ઔપચારિક વિરોધ નોંધાવવામાં આવ્યો હોત. BCCIએ નકવીને જલદીથી ટ્રોફી પરત કરવા જણાવ્યું છે. BCCIનું કહેવું છે કે આ ટ્રોફી નકવીની અંગત સંપત્તિ નથી, પરંતુ તે ACCની માલિકીની છે, અને આથી તેઓ તેને પોતાની પાસે રાખી શકે નહીં.
હાલમાં નકવી દુબઈની જે હોટલમાં રોકાયા છે, ત્યાં જ એશિયા કપની ટ્રોફી પણ રાખવામાં આવી છે. BCCI હવે ACCમાં સામેલ અન્ય દેશોના ક્રિકેટ એસોસિએશનની મધ્યસ્થી દ્વારા ટ્રોફી પાછી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. નકવીને સૂચન કરવામાં આવ્યું છે કે તેઓ ટ્રોફીને દુબઈના સ્પોર્ટ્સ સિટીમાં આવેલી ACCની ઓફિસમાં જમા કરાવી દે, જ્યાંથી તેને સુરક્ષિત રીતે ભારત મોકલી શકે.
