Fastest ODI Double Century: ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકે શ્રીલંકા સામે રમાઈ રહેલી વન ડે મેચમાં આક્રામક અંદાજમાં બેવડી સદી ફટકારીને ભારતીય કપ્તાન શુભમન ગિલના રેકોર્ડને તોડીને નવો ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ હેરી બ્રુક ઈંગ્લેન્ડ તરફથી વન ડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. હેરી બ્રુકની સ્ફોટક ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે 400થી વધુ રનનો સ્કોર ખડકી દીધો છે.
હેરી બ્રૂકની વન ડે ઈન્ટરનેશનલમાં ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચ્યુરી
આજની મેચ બાદ હેરી બ્રુક હવે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. શ્રીલંકા સામેની મેચમાં હેરી બ્રુકે માત્ર 114 બોલમાં 200 રન ઝૂડી નાંખ્યા હતા.
ખાસ વાત એ છે કે, થોડા દિવસ પૂર્વે ટીમ ઈન્ડિયાના કપ્તાન શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 117 બોલમાં બેવડી સદી ફટકારીને ફાસ્ટેસ ડબલ સેન્ચ્યુરીનો રેકોર્ડ બનાવ્યો હતો. જો કે હવે આ રેકોર્ડ હેરી બ્રુકના નામે નોંધાઈ ગયો છે, જેણે 116 બૉલમાં 21 ફૉર અને 10 સિક્સની મદદથી 202 રન ફટકાર્યા છે.
હેરી બ્રુકને સાથ આપતાં વિલ જેક્સે પણ 30 બોલમાં 8 ફૉર અને 3 સિક્સની મદદથી 66 રન તેમજ ટોમ બેન્ટને પણ 51 બોલમાં 50 રન બનાવ્યા હતા. આમ આ ત્રણ બેટ્સમેનોએ શ્રીલંકાના ખેલાડીઓને મેદાનની ચોતરફ દોડાવ્યા હતા. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમે 429 રન બનાવી દીધા હતા.
બેન સ્ટોક્સનો રેકોર્ડ પણ ધ્વસ્ત કર્યો
ઈંગ્લેન્ડ માટે વન ડેમાં બેવડી સદી ફટકારનાર હેરી બ્રુક પ્રથમ ખેલાડી બની ગયો છે. અગાઉ 2023માં બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 182 રન બનાવ્યા હતા, હવે આ રેકોર્ડ પણ તૂટી ગયો છે. આટલું જ નહીં, હેરી બ્રુક ક્રિકેટ ઈતિહાસનો બીજો એવો ખેલાડી બની ગયો છે, જેણે ઈનિંગની શરૂઆત કર્યા વિના એટલે કે ઑપનિંગમાં આવ્યા વિના બેવડી સદી ફટકારી હોય. અગાઉ ઑસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલ આ કામ કરી ચૂક્યો છે. જેણે 2023ના વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી.
જણાવી દઈએ કે, હેરી બ્રુક ટી-20 ઈન્ટરનેશનલમાં પણ સદી ફટકારી ચૂક્યો છે. આ સિવાય ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. હવે કેપ્ટન તરીકે વન ડે ઈન્ટરનેશનલમાં પણ હૈરી બ્રુકે બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે.
