Blind Cricket Asia Cup 2026: બાંગ્લાદેશના ઢાકામાં આયોજિત પુરુષ બ્લાઈન્ડ ક્રિકેટ એશિયા કપ 2026ની ફાઈનલ મેચને લઈને મોટો વિવાદ થયો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર ખિતાબી જંગ સતત પડી રહેલા વરસાદના કારણે ટૉસ ઉછાળ્યા વિના જ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ મેચ રેફરીએ સારી રન રેટના આધારે પાકિસ્તાનને ચેમ્પિયન જાહેર કરી દીધુ હતુ. મેચ રેફરીના આ નિર્ણયથી નારાજ ટીમ ઈન્ડિયાએ ટ્રોફી વિતરણ સમારોહનો બહિષ્કાર કરી દીધો હતો.
ભારતીય ખેલાડીઓની બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવાની માંગ
ટીમ ઈન્ડિયાએ મેચ રેફરીના નિર્ણયનો વિરોધ વ્યક્ત કરતાં ટ્રોફી વિતરણ સમારોહમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો હતો. ભારતીય ટીમનું કહેવું છે કે, વરસાદના કારણે ફાઈનલ મેચ રદ્દ કે ટાઈ થવાની સ્થિતિમાં બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવી જોઈએ.
ક્રિકેટ એસોસિએશન ફૉર ધી બ્લાઈન્ડ ઈન ઈન્ડિયા (CABI)એ પણ મેચ રેફરીના નિર્ણયને ફગાવી દીધો છે. સંગઠને માંગ કરી છે કે, બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવવી જોઈએ.
CABIએ ટૂર્નામેન્ટના ટેક્નિકલ નિયમોની એક કલમનો આધાર આપતા જણાવ્યું કે, અમે વર્લ્ડ બ્લાઈન્ડ ક્રિકેટ કાઉન્સિલ (WBCC) સમક્ષ આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. નિયમોની કલમ 27માં ફાઈનલ મેચમાં ટાઈ થવાની સ્થિતિનો ઉલ્લેખ છે. આ નિયમોના આધારે જ બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. WBCCની ટેક્નિકલ કમિટીએ પણ શરૂઆતમાં આ વ્યાખ્યા પર પોતાની સહમતિ વ્યક્ત કરી હતી.
આવનારી મેચોમાં ટીમ ઈન્ડિયા નહી રમે
ખેલાડીઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ભવિષ્યમાં ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો નિર્ણય CABI પર છોડી દેવામાં આવ્યો છે. જો સંગઠન મંજૂરી આપશે, તો ટીમ ઈન્ડિયા રમવા માટે તૈયાર છે, નહીંત આવનારી કોઈ મેચમાં અમે ભાગ નહીં લઈએ.
